કેન્દ્રના કૃષિ બિલોના વિરોધમાં પંજાબમાં ખેડૂતે ઝેર પીધું, વિપક્ષ રસ્તા પર ઉતરશે

– સરકારે લોકસભામાં બે બિલ પસાર કરી દેતા ખેડૂતોનો રોષ વધ્યો

મોદી સરકારના કૃષી અને ખેડૂતો સાથે સંકળાયેલા બિલનો દેશભરના 200થી વધુ ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે. આટલા સમયથી આંદોલન ચાલી રહ્યું હોવા છતા સરકાર બિલ પરત લેવા તૈયાર નથી અને બે બિલને લોકસભામાં પસાર પણ કરી દેવાયા છે. આ સિૃથતિ વચ્ચે ખેડૂતો હવે ઝેર પીને આત્મહત્યા કરવા પણ મજબૂર થયા છે. પંજાબમાં એક ખેડૂતે વિરોધ પ્રદર્શન દરમિયાન ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

60 વર્ષીય ખેડૂતે પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલના બાદલ ગામ સિૃથત ઘરની બહાર ધરણા પર બેઠેલા ખેડૂતો પૈકી એકે  આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અહીં છ દિવસથી ખેડૂતો ધરણા પર બેઠા હતા પણ કેન્દ્ર સરકાર દ્વારા કોઇ જ યોગ્ય જવાબ ન મળતા આ પગલુ ભર્યું હતું.

આ ખેડૂતોને પ્રકાશસિંહ બાદલ અને તેમના પક્ષ અકાળી દળે પણ સમર્થન આપી બિલનો વિરોધ કર્યો છે. બીજી તરફ ખેડૂતની સિૃથતિ ગંભીર છે અને હાલ તેને નજીકના હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. આ ઘટના બાદ અન્ય રાજ્યોમાં પણ ખેડૂતોનો કેન્દ્રના બિલ પ્રત્યેનો રોષ વધવા લાગ્યો છે.

બીજી તરફ આ બિલનો વિરોધ કરવા માટે હવે વિપક્ષ રસ્તા પર ઉતરશે અને ખેડૂતોને સમર્થન આપશે. કોંગ્રેસે દેશભરમાં આ બિલનો રસ્તા પર ઉતરી વિરોધ કરવાની જાહેરાત કરી છે. સાથે જ અન્ય પક્ષોની સાથે વિરોધમાં સામેલ થવા મુદ્દે બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે તેથી ટુંક સમયમાં ખેડૂતો અને વિપક્ષ મળીને કેન્દ્રને આ બિલ મુદ્દે ભીસમાં લેશે.

હરિયાણા, પંજાબ બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ ઉગ્ર આંદોલનો શરૂ થઇ ગયા છે અને અન્ય રાજ્યોમાં પણ વિરોધ માટે ખેડૂતો રસ્તા પર ઉતરવા લાગ્યા છે આ સિૃથતિ વચ્ચે પણ મોદી સરકાર પાછળ હટવા માટે તૈયાર નથી અને લોકસભામાં બે બિલને પસાર પણ કરી દેવાયા છે.

ત્રણમાંથી એક બિલ અનુસાર વ્યાપારીઓ મંડી બહાર પણ ખેડૂતોનો પાક ખરીદી શકશે જેથી ખેડૂતોનો દાવો છે કે આ બિલથી સરકાર ટેકાના ભાવ મુદ્દે છટકી જશે. બીજા બિલ અનુસાર બટાકા, ડુંગળી, અનાજ, ઇડેબલ ઓઇલ, દાળ વગેરેને જરૂરી વસ્તુઓમાંથી બહાર કરી દેવાઇ છે તેથી વ્યાપારીઓને તેનો સંગ્રહ કરવાની છુટ આપી દીધી છે.

ખેડૂતોનો દાવો છે કે આમ થવાથી સંગ્રહખોરી વધશે અને દેશના આમ નાગરિકોને જ તેનાથી નુકસાન થશે, મોંઘવારી વધશે. અન્ય ત્રીજા બિલમાં કંપનીઓને ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ કરવાની છુટ અપાઇ છે, ખેડૂતોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ થઇ જાય અને પાક નબળો જાય તો કંપનીઓ હાથ ઉચા કરી છટકી જશે આમા ખેડૂતોને કોઇ જ સિક્યોરિટી નથી અપાઇ.

આ ત્રણેય બિલોને પરત લેવાની માગણી સાથે ખેડૂતે પંજાબમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા મામલો વધુ બિચક્યો છે. હવે વિરોધમાં કિસાન ભારતીય યુનિયન પણ ઉતર્યું છે. પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે કહ્યું છે કે કેન્દ્ર સરકારનું આ બિલ ખેડૂતોને પતાવી દેવાનું કાવતરૂં છે. અમે કોઇ પણ સંજોગોમાં તેનો અમલ નહીં થવા દઇએ.

બન્ને  બિલ ખેડૂતોને ફાયદો કરનારા, વિપક્ષ ગેરમાર્ગે ન દોરે : મોદી

ખેડૂતોના ઉગ્ર આંદોલન અને આત્મહત્યાના પ્રયાસો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ  દાવો કર્યો હતો કે કેન્દ્ર જે બિલ લાવી છે તે ખેડૂત વિરોધી નહીં પણ તેને મદદરૂપ થાય તેવા છે. સાથે તેમણે આરોપ લગાવ્યો હતો કે કેટલાક પક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ વટહુકમો અને બિલથી ખેડૂતોને બહુ મોટો ફાયદો થવા જઇ રહ્યો છે.  જ્યારે કોંગ્રેસના જ સસ્પેન્ડ કરાયેલા નેતા સંજય ઝાએ દાવો કર્યો હતો કે ખુદ કોંગ્રેસના 2019ના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે અમે સત્તામાં આવીશું તો એપીએમસી એક્ટને ખતમ કરી નાખીશું. સાથે જ ખેડૂતોને દલાલોની જાળમાંથી આઝાદ કરાવવાનું પણ વચન આપ્યું હતું. મોદી સરકારે કિસાન બિલ દ્વારા આ જ કર્યું છે તેથી આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ બન્ને સરખા જ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.