International Day Of Peace 2020 : જાણો, ક્યારથી આ દિવસ મનાવવાની શરૂઆત થઇ?

દર વર્ષે 21 સપ્ટેમ્બરના દિવસે વિશ્વ શાંતિ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો ખાસ હેતુ એ જ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર તમામ દેશ અને નાગરિકો વચ્ચે શાંતિ વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતિ જાળવવા માટેના પ્રયત્નો કરવામાં આવે. આ દિવસ મારફતે વિશ્વભરના દેશો અને નાગરિકો વચ્ચે શાંતિ સંદેશનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે. સફેદ કબૂતરને શાંતિના દૂત માનવામાં આવે છે. એટલા માટે વિશ્વ શાંતિ દિવસના અવસરે સફેદ કબૂતરોને ઉડાડીને શાંતિ સંદેશો આપવામાં આવે છે.

શાંતિ જાળવી રાખવા માટે મનાવવામાં આવે છે આ દિવસ

વિશ્વના તમામ દેશ અને લોકો વચ્ચે શાંતિ જળવાઇ રહે તેના માટે સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 1981માં વિશ્વ શાંતિ દિવસ મનાવવાનું જાહેર કર્યુ હતું. આ જ કારણ છે કે પ્રથમ વખત વર્ષ 1982માં વિશ્વ શાંતિ દિવસ મનાવવામાં આવ્યો હતો. વર્ષ 1982થી લઇને વર્ષ 2001 સુધી સપ્ટેમ્બર મહિનાનો ત્રીજો મંગળવાર વિશ્વ શાંતિ દિવસ તરીકે મનાવવામાં આવતો હતો. પરંતુ વર્ષ 2002થી 21 સપ્ટેમ્બરના રોજ વિશ્વ શાંતિ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી.

વિશ્વ શાંતિ માટે ભારતનો મંત્ર

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ વિશ્વમાં શાંતિ જળવાઇ રહે તે માટે 5 મૂળ મંત્ર આપ્યા હતા. જે ‘પંચશીલના સિદ્ધાંત’ તરીકે પણ ઓળખાય છે. જેના અનુસાર વિશ્વમાં શાંતિની સ્થાપના માટે એકબીજાની પ્રાદેશિક અખંડતા જાળવી રાખવા અને સન્માન કરવાની વાત કહેવામાં આવી હતી..

ખાસ ઘંટડી વગાડવાની પ્રથા

ઇન્ટરનેશનલ પીસ ડે એટલે કે વિશ્વ શાંતિ દિવસની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય, ન્યૂયૉર્કમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિની ઘંટડી વગાડીને કરવામાં આવે છે. આ ઘંટડીની એક બાજુ લખ્યું છે કે વિશ્વમાં શાંતિ હંમેશા જળવાઇ રહે. આ ઘંટડી આફ્રીકા સિવાય તમામ મહાદ્વીપના બાળકો દ્વારા દાનમાં આપવામાં આવેલા સિક્કાઓમાંથી બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ ઘંટડી જાપાનના યૂનાઇટેડ નેશનલ એસોસિયેશને ભેટમાં આપી હતી.

સફેદ કબૂતરને ઉડાડીને શાંતિ સંદેશો આપવામાં આવે છે

ઇન્ટરનેશનલ પીસ ડેના અવસરે વિશ્વના દરેક દેશમાં ઠેર-ઠેર સફેદ કબૂતરોને ઉડાડીને શાંતિનો સંદેશો આપવામાં આવે છે. આ કબૂતર શાંતિનું પ્રતીક છે જે ‘પંચશીલના સિદ્ધાંત’ને વિશ્વભરમાં ફેલાવે છે. સફેદ કબૂતર ઉડાડવાની આ પરંપરા પ્રાચીનકાળથી ચાલતી આવી છે. કબૂતરને શાંત સ્વભાવનું પક્ષી માનવામાં આવે છે. આ જ કારણથી તેને શાંતિ અને સદ્દભાવનું પ્રતીક માનવામાં આવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.