વિધાનસભાના ચોમાસું સત્રમાં અન્નદાતા માટે રૂપાણી સરકારનું 3781 કરોડનું રાહત પેકેજ

– રાજ્યમાં ખેડુતોને દિવાળી પહેલા સહાયની રકમ ચુકવી દેવામાં આવશે

ગુજરાત વિધાનસભાનું આજથી ચોમાસુ સત્ર મળ્યું. વિધાનસભામાં ચોમાસુ સત્રના પ્રથમ દિવસે રૂપાણી સરકારે ખેડૂતોને 3,700 કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે. પાકને થયેલા નુંકસાન મુદ્દે રૂપાણી સરકારે સહાય પેકેજની જાહેરાત કરી છે.

સરકારની જાહેરાત મુજબ 33%થી વધુ પાક નુકસાન થયું હોય તેને વળતર આપવાની જાહેરાત કરી છે. 33%થી વધુ નુકસાનમાં પ્રતિ હેકટર રૂપિયા 10 હજારની સહાય ચુકવવામા આવશે. જ્યારે ઓછી જમીન ધરાવતા ખેડૂતોને ઓછામા ઓછા 5,000 રૂપિયા ચુકવવાનો નિર્ણય કરાયો છે.

સરકારે જાહેર કરેલા પેકેજ અંગે કૃષિમંત્રી ફળદુએ પ્રેસ કોન્ફરન્સ કરી વિસ્તત જાણકારી આપી. તેમણે કહ્યું કે, શરૂઆતમા લાગતું હતું કે ખેડૂતોને મોટું ઉત્પાદન મળશે પરંતુ બાદમાં થયેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન થયું છે. જે વિસ્તારમાં નુકસાન થયું હતું ત્યાંથી અનેક નેતાઓ અને ખેડૂતોની રજુઆતો સામે આવી હતી. જેને લઈને સર્વે કરવામાં આવ્યો હતો. અને આ બાબતે સરકારની ચાર થી પાંચ મિટિંગ પણ થઈ હતી.

તેમણે જણાવ્યું કે, જે વિસ્તારમાં નુકસાન થયું છે તેવા ગામ કોઈ છુંટી ના જાય તેની કાળજી લેવામાં આવી છે. અમે જે બોલ્યા હતા તેનું અમે પાલન કર્યું છે. ભૂતકાળમાં પણ ખેડૂતો ઉપર કુદરતી આફત આવી છે ત્યારે પણ ખેડૂતોની પડખે ઊભા રહ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે આ સહાયની રકમ દિવાળી પહેલા દરેક ખેડૂતના ખાતામાં આવી જશે.

આ સહાય પેકેજથી રાજ્યના 27 લાખ જેટલા ખેડૂતોને લાભ મળશે. અંદાજે 37 લાખ હેકટર વિસ્તાર સહાયને પાત્ર થશે. સહાય માટે ઓનલાઈન અરજી કરવા 1લી ઓક્ટોબરથી પોર્ટલ ખુલ્લું મુકાશે. ખેડૂતો નજીકના ઈ-ગ્રામ કેન્દ્રથી પાક નુકસાન સહાય માટે અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.