વિવાદાસ્પદ નકશાવાળા પુસ્તક પર નેપાળે પ્રતિબંધ લાદ્યો, ભારતના દબાણ સામે આખરે ઝુક્યું

– ચીનની ચડામણીથી કેટલાક પ્રદેશો પોતાના ગણાવ્યા હતા

ભારતે કરેલા પ્રખર વિરોધ પછી નેપાળની કે પી ઓલી સરકારે વિવાદાસ્પદ નકશો ધરાવતા પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો હતો. અગાઉ ચીનની ચડામણીમાં આવી જઇને નેપાળે કેટલાક ભારતીય વિસ્તારો પોતાના હોવાનો દાવો કર્યો હતો અને એ વિસ્તારો નેપાળના હોય એવું દર્શાવતા નકશા ધરાવતું પુસ્તક પ્રગટ કર્યું હતું.

ચીની રાજદૂતના ઇશારે નેપાળે આ પગલું ભર્યું હતું. પરંતુ હવે નેપાળના વિદેશ મંત્ર્યાલયે આ પુસ્તક અંગે પ્રગટ વિરોધ કર્યો હતો અને પોતાની જ સરકારના શિક્ષણ ખાતાને કહ્યું હતું કે આ પુસ્તકની વહેંચણી થાય એ યોગ્ય નહીં ગણાય. તત્કાળ એનું વિતરણ રોકો અને એના પ્રકાશનને અટકાવો. પરિણામે શિક્ષણ ખાતાએ આ પુસ્તકના પ્રકાશન અને વિતરણને અટકાવી દીધું હતું.

કાઠમંડુ પોસ્ટ અખબારના રિપોર્ટ મુજબ નેપાળના વિદેશ ખાતાએ શિક્ષણ ખાતાને જણાવ્યું હતું કે આ પુસ્તકમાં ઘણા હકીકત દોષ હતા અને ઘણી અનુચિત માહિતી પ્રગટ થઇ હતી. માટે આ પુસ્તકના પ્રકાશન અને વિતરણને તત્કાળ રોકી દેવાં જોઇએ. નેપાળના કાયદા ખાતાના પ્રધાન શિવ માયાએ કહ્યું હતું કે આ પુસ્તકમાં ઘણી ખોટ્ટી અને અનુચિત માહિતી પ્રગટ થઇ હોવાનું અમારા ધ્યાનમાં આવતાં અમે આ પુસ્તકનું પ્રકાશન અને વિતરણ અટકાવી દેવાનું જણાવ્યું હતું.

અત્રે એ યાદ રહે કે આ વર્ષના મેમાં ભારત અને નેપાળ વચ્ચે સીમાડા મુદ્દે ટેન્શન સર્જાયું હતું. વાટાઘાટો દ્વારા એના નિરાકરણનો પ્રયાસ પણ શરૂ થયો હતો. પરંતુ ચીની રાજદૂત નેપાળની સરકારને ઉશ્કેરી રહ્યો હતો. નેપાળની સરકારે બાળકો માટેના એક પુસ્તકમાં કેટલાક ભારતીય પ્રદેશો પોતાના હોવાનું જણાવતા નકશા પ્રગટ કર્યા હતા. ભારતે સ્વાભાવિક રીતેજ એનો પ્રખર વિરોધ કર્યો હતો. નેપાળના શિક્ષણ પ્રધાન ગિરિરાજ મણી પોખરલના કહેવાથી આ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં કાળા પાણી વિસ્તારને નેપાળે પોતાનો ગણાવ્યો હતો. ભારતે લાલ આંખ કરવાની ફરજ પડી હતી. જો કે હવે નેપાળે આ પુસ્તક પર બૅન લાદ્યો હતો. આમ ભારતના દબાણ સામે નેપાળે નમતું આપ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.