લેજન્ડરી પાર્શ્વગાયક એસ પી બાલાસુબ્રમણ્યમનું અવસાન, બોલિવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું

લેજન્ડરી પ્લેબેક સિંગર એસપી બાલાસુબ્રમણ્યમનું આજે એક ખાનગી હૉસ્પિટલમાં અવસાન થયું હતું. ઑગષ્ટના પહેલા સપ્તાહથી બાલા કોરોનાની સારવાર હેઠળ હતા.

ચાલુ વર્ષના ઑગષ્ટની પાંચમીએ એસપીબીના ટૂંકા નામે ઓળખાતા આ ગાયકે પોતાના ફેસબુક પેજ પર વિડિયો રેકોર્ડિંગ દ્વારા જાહેર કર્યું હતુ્ કે મને કોવિડ 19 પોઝિટિવ હોવાનું નિદાન થયું છે અને મેં સારવાર શરૂ કરી હતી. તેમણે જો કે એવો પણ દાવો કર્યો હતો કે આમ તો હું સાજોસારો છું. એમ સમજો કે માત્ર આરામ કરવા હૉસ્પિટલમાં જઇ રહ્યો છું. હું બહુ ઝડપથી તમારી વચ્ચે પાછો ફરીશ.

બાલાનો પુત્ર એસપી ચરણ પોતાના પિતાના આરોગ્ય વિશે સતત અપડેટ આપતો રહ્યો હતો. હજુ ગઇ કાલેજ બોલિવૂડના સુપર સ્ટાર સલમાન ખાને બાલાની તબિયત વિશે ચિંતા વ્યક્ત કરતાં સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે જલદી સાજાસારા થઇ જાવ.

બાલાએ 1969માં પાર્શ્વગાયક તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. એમણે એમએસ વિશ્વનાથનના નામે પહેલું ગીત તમિળ ફિલ્મનું ગાયું હતું. તમિળ ફિલ્મના સુપર સ્ટાર એમજી રામચંદ્રનની ઇયરક્કઇ એન્નુમ ઇલિયાકન્ની માટે સંગીતકાર કેવી મહાદેવને સ્વરબદ્ધ કરેલું ગીત બાલાનું પહેલું ફિલ્મ ગીત હતું. દક્ષિણ ભારતના સંગીતકારોમાં ભગવાનની જેમ પૂજાતા ઇલિયા રાજા સાથે બાલાનો સંબંધ જોડાયો એ સાથે બાલા સુપરસ્ટાર સિંગર બની રહ્યા.

ગાયક તરીકે બાલાએ દેશની પંદર ભાષાઓમાં કુલ 60 હજાર ગીતો ગાયાં હતાં. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો તેમણે લતાજી સાથે એક દૂજે કે લિયે ફિલ્મ માટે લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીતમાં ગાયેલું તેરે મેરે બીચ મેં કૈસા હૈ યહ બંધન અનજાના… ગીતથી બાલા રાતોરાત દેશના ખૂણે ખૂણે જાણીતા થઇ ગયા હતા.

બાલાના પરિવારમાં પત્ની સાવિત્રી અને બે સંતાનો પુત્રી પલ્લવી અને પુત્ર એસપી ચરણનો સમાવેશ થાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.