ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલે જણાવ્યું કે, તમામ બેઠકોમાં ભાજપ વિજયી થશે. ભાજપ હંમેશા પેટા ચૂંટણીમાં વિજયી થાય છે. પેટા ચૂંટણીને લઈ કાર્યકર્તાઓ ઉત્સાહી છે. કાર્યકર્તાઓ ઘણા સમયથી તૈયારીઓ કરી રહ્યા છે. ચૂંટણી આચાર સંહિતાનું સંપૂર્ણ પણે પાલન થશે. આ ઉપરાંત વર્ચ્યુલ મિટિંગ અને પ્રચાર થશે. દિવાળી પહેલા ચૂંટણી આવતા જીત બાદ દિવાળી ઉજવવામાં આવશે.
સી.આર.પાટીલે કહ્યું- 8 બેઠક પર ભવ્ય વિજય બાદ દિવાળીની ઉજવણી
આ 8 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતા. જેથી આ આઠ બેઠકોમાં ચૂંટણીનું આયોજન કરાયું છે. આ બેઠકો પર ફરી કોંગ્રેસના ઉમેદવારોને ટીકીટ આપવામાં આવી શકે છે કે નહીં આ પ્રશ્ન અંગે સી.આર.પાટીલે જણાવ્યું કે, ધારાસભ્યો પોતાના પક્ષથી વિશ્વાસ ગુમાવી ભાજપમાં જોડાયા છે. કોને ટિકિટ આપવી તેનો નિર્ણય હાઈ કમાન્ડ કરશે. સીઆર પાટીલે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, પ્રજા કોંગ્રેસને પહેલાં જ જવાબ આપી ચુકી છે ત્યારે કોંગ્રેસે જીતનો દાવો છોડી દેવો જોઈએ.
3 નવેમ્બરના રોજ થશે મતદાન
ગુજરાત વિધાનસભાની 8 બેઠક પરની પેટાચૂંટણી જાહેર થઈ છે. જે અંતર્ગત 3 નવેમ્બરનાં રોજ મતદાન યોજાશે. જ્યારે 10 નવેમ્બરનાં રોજ મતગણતરી હાથ ધરાશે. પેટા ચૂંટણી અંતર્ગત 9 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડાશે, જ્યારે 16 ઓક્ટોબરે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હશે. ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પુરજોશમાં બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.
પ્રાથમિક ત્રણ નામોની યાદી હાઈકમાન્ડને મોકલી અપાઈ
ગુજરાત વિધાનસભાની ગઢડા, લીંબડી, ડાંગ, ધારી, કરજણ, મોરબી, અબડાસા અને કપરાડા આ આઠ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. અગાઉ આ આઠ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. પરિણામે, કોંગ્રેસ દ્વારા આ બેઠકો માટે સક્ષમ ઉમેદવારોની શોધ ચલાવવામાં આવી રહી છે. આ માટે બેઠકદીઠ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી, જેની પ્રાથમિક ત્રણ નામોની યાદી હાઇકમાન્ડ સમક્ષ મોકલી આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.