– સંગઠનોએ આર્થિક સ્થિતિને કારણે થયેલી આત્મહત્યાના આંકડા જાહેર કર્યા
કેન્દ્ર સરકાર કૃષિ સાથે સંકળાયેલા ત્રણ બિલ લાવી હતી જેને સંસદ બાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતા હવે તે કાયદો બનીને અમલમાં આવી ગયો છે. જ્યારે ખેડૂતો દ્વારા હજુ પણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.
આ નવા કૃષિ કાયદાના હોબાળા વચ્ચે પંજાબમાં 65 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. આ આંકડા ખેડૂતોના સંગઠનો દ્વારા જાહેર કરાયા છે. બીજી તરફ પંજાબમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું છે અને હવે રાષ્ટ્રવ્યાપી આંદોલનો વધારવાની ચીમકી આપી છે.
સરકાર દાવા કરી રહી છે કે ખેડૂતોના ડાંગરના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ ગઇ છે, જ્યારે બીજી તરફ એવા અહેવાલો સામે આવ્યા છે કે કૃષિ કાયદો બન્યાના બીજા જ દિવસે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને પોતાના પાકને વેચવા જતા અટકાવવામા આવ્યા હોવાની ઘટના સામે આવી છે. અહેવાલો અનુસાર મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશના ખેડૂતો હરિયાણામાં પોતાનો પાક વેચવા જઇ રહ્યા હતા. જોકે તેમને બન્ને રાજ્યોની બોર્ડર પર જ પોલીસ દ્વારા રોકી લેવામાં આવ્યા હતા.
હરિયાણામાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી થઇ રહી છે પણ ઉ. પ્રદેશ સરકાર નથી ખરીદી રહી તેથી ખેડૂતો તેને વેચવા માટે હરિયાણા જઇ રહ્યા હતા. પણ તેમને અટકાવી દેવાયા હતા. હરિયાણા સરકારે કહ્યું છે કે ખેડૂતોએ પોતાનો પાક વેચવા માટે સરકારના પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને જ્યાં સુધી વારો ન આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. જ્યારે કેન્દ્ર સરકાર દાવો કરી રહી છે કે ટેકાના ભાવે હાલ ખરીદી ચાલી રહી છે.
દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતા ધરમિંદર પીશોરે જણાવ્યું હતું કે પંજાબમાં 24મી જુનથી એક સપ્ટેમ્બર સુધીમાં 65 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે. ગત વર્ષે આખા વર્ષનો આંકડો 501 હતો. સરકાર જૂન મહિનામાં જ કૃષી સાથે સંકળાયેલા કાયદાના ત્રણ વટહુકમ લાવી હતી, અને તેનો અમલ કરી દીધો હતો.
બીજી તરફ આ વટહુકમના અમલથી લઇને આ મહિને પહેલી તારીખ સુધીમાં 65 ખેડૂતોએ પંજાબમાં આત્મહત્યા કરી લીધી છે. પંજાબમાં 24મીએ શરૂ થયેલું રેલ રોકો આંદોલન મંગળવારે છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું છે અને ખેડૂતો એક સપ્તાહથી રાજ્યના વિવિધ મોટા શહેરો અને ટાઉનના રેલવે પાટા પર બેસી રહ્યા છે. કિસાન મઝદૂર સંઘર્ષ કમિટીના જનરલ સેક્રેટરીએ જાહેરાત કરી હતી કે પહેલી ઓક્ટોબરથી રાષ્ટ્રવ્યાપી આંદોલનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.