મોરબી:ધીમેધીમે હવે દિવાલ ઘડિયાળ ઉદ્યોગના બંને કાંટાની ગતિ મંદ પડી રહી છે. જેનું કારણ છે મંદીનો માર અને સરકારના જીએસટીનો અમલ. મોરબી તેના ઘડિયાળ ઉદ્યોગ માટે વિશ્વભરમાં પ્રચલિત છે. વિશ્વભરના નામાંકિત લોકો પણ પોતાના આલીશાન મહાલયમાં મોરબીના ઘડિયાળને દિવાલ પર ટીંગાળીને ગર્વ અનુભવે છે. પરંતુ હવે મોરબના ઉદ્યોગકારો માટે હવે ગર્વ લેવા જેવું કશું રહ્યું નથી.
કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સતત મહિલા સશક્તિકરણના બણગાં ફૂંકે છે પરંતુ જે ઉદ્યોગમાં મહિલાઓનું યોગદાન વધુ છે તેવા આ મહિલાલક્ષી ઉદ્યોગને ઉગારવા માટે સરકાર કોઇ પ્રયાસ કરતી નથી તે સરકારની દાનત અને બતાવવાના બીજા અને ચાવવાના બીજાની નીતિ છતી કરે છે.
ઉદ્યોગ પર 18 ટકા જીએસટીએ કમર તોડી નાંખી
પાંરપરિક રીતે મોરબીમાં દિવાલ ઘડિયાળ ઉદ્યોગ ધમધમતાં આવ્યાં છે. જોતજોતામાં આ ઉદ્યોગની સંખ્યા દોઢસો સુધી પહોંચી ગઇ છે. જોકે રાજ્ય સરકારના વેટના કાયદાને કારણે આ ઉદ્યોગને ગ્રહણ નડ્યું હતું હવે ઉદ્યોગકારો કહે છેકે જીએસટી નામના ગ્રહણે તો આ ઉદ્યોગની કમર તોડી નાંખી છે. ઘડિયાળ ઉદ્યોગ પર 18 ટકા જીએસટીએ ઉદ્યોગને મરણતોલ ફટકો મારી દીધો છે.
અઢાર હજાર કારીગરોની રોજગારી સામે પ્રશ્નાર્થ
મોરબીમાં જ અઢાર હજાર કારીગરો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને તેમાંથી સોળ હજાર મહિલાઓ સતત મહેનત કરીને દિવાલ ઘડિયાળના કાંટા સતત ફરતા રાખીને પોતાના ઘરનું ચક્ર પણ સતત ફરતું રાખે છે. દિવસમાં 200થી 300 રૂપિયા રળી લેતી 16 હજાર મહિલાઓના ઘરના બજેટ પણ ઘડિયાળના કાંટાની ગતિની સાથે જ વણાયેલા છે. પરંતુ હવે સરકારની બેધારી નીતિને કારણે અદભૂત અને આકર્ષક રીતે દિવાલને શોભાવતાં ઘડિયાળની ગતિ મંદ પડી ગઇ છે.
સોથી દોઢસો કરોડની નિકાસ પર બ્રેક
વર્ષે દહાડે આઠ સો કરોડનું ટર્ન ઓવર કરી લેતો આ ઉદ્યોગ આજે મરણપથારીએ પડ્યો છે. વાર્ષિક સોથી દોઢસો કરોડની નિકાસ કરતાં ઘડિયાળ ઉદ્યોગ આજે મંદ પડી ગયો છે. કાચામાલની પણ અછત અને લોકોનો દિવાલ ઘડિયાળ સાથેનો નાતો ધીમેધીમે ઓછો થતાં આ ઉદ્યોગ પણ ઝંખવાઇ ગયો છે. દરરોજ પોણા બે લાખ ઘડિયાળોનું ઉત્પાદન થતું હતું જે આજે ઘટીને એક લાખ કરતાં પણ ઓછું થઇ જતાં રોજના ઉત્પાદનમાં 75 હજારનો ઘટાડો થઇ જતાં અનેક કામદારો બેકાર બની ગયાં છે. આ ઘટાડો 35 ટકા જેટલો મસ મોટો છે.
વિશ્વમાં મોરબીના ઘડિયાળની લોકપ્રિયતા ઇતિહાસ બની
એક સમયએવો હતો કે હોલીવુડની બનેલી ફિલ્મ ટાઇટેનિકમાં પણ મોરબીના ઘડિયાળનો ભરપૂર ઉપયોગ થયો હતો. મોરબીની ઘડિયાળો અનેક દેશી અને વિદેશી રજવાડાઓના મહેલોની શોભા બનતાં હતાં. પરંતુ હવે તેવું બનતું નથી . પરંતુ સામાન્ય ઘરોમાં પણ હવે ઘડિયાળ ટીગાળવાના ઘટી ગયાં છે.
ઘટીને હાલમાં ઉત્પાદન- એક લાખ ઘડિયાળ
વાઇબ્રન્ટ ગુજરાતમાં ઘરના તમામ નાના મોટાઉદ્યોગોને મરણપથારીએ ધકેલી રહી છે. ઘડિયાળના ઉદ્યોગકારો પરંપરાગત રીતે ઉત્પાદન સાથે જોડાયેલા છે. રોજની 1.75 લાખ ઘડિયાળ બનાવનારા 18 હજાર કામદારોને રોજી આપતો આ ઉદ્યોગ આજે દયનીય હાલતમાં છે. પરંતુ જેમતેમ કરીને આ ઉદ્યોગને બચાવવાના ઉદ્યોગકારો પ્રયાસ કરી રહ્યાં છે. ઉદ્યોગકારો સામે સૌથી મોટો સવાલ ટર્નઓવરનો છે. 35થી 40 ટકાની માંગમાં ઘટાડાને કારણે ઉદ્યોગકારોને દૈનિક ઉત્પાદનમાં પણ ઘટાડો કરવાની ફરજ પડી છે. જેને કારણે ઉદ્યોગકારોએ અઠવાડિયામાં બે રજા , ત્રણ રજા પાડવાનો નિર્ણય લીધો છે. જોકે કેટલીક ફેક્ટરીઓમાંતો પાંચ દિવસની પણ રજા આપવામાં આવે છે. જેની સીધી અસર કામદારોની રોજગારી ઉપર પડી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.