ગુજરાતમાં 7 બેઠક પર પેટાચૂંટણીની તારીખો જાહેર થવાની તૈયારી છે. જેને લઈને અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. ટીવી નાઈનના માઘ્યમ તમને અનેક વિશ્લેષણની જાણકારી મળતી રહેશે. કઈ બેઠકનો શું છે ઈતિહાસ, શું છે તેની તાસીર, સ્થાનિક પરિબળો અને કોની બાજી છે મજબૂત. પેટાચૂંટણીની તમામ 7 બેઠક વિશે તમને રોજ વિશ્લેષણ આપવામાં આવશે.
રાધનપુર બેઠકનું મહાગણિત
સાત બેઠકોમાં સૌથી વધુ ચર્ચામાં રાધનપુરની સીટ વર્ષ 2017ની ચૂંટણી દરમિયાન રહી હતી. કેમ કે આ બેઠક પર ઠાકોર vs ઠાકોરની લડાઈ હતી. 2017 પહેલી સતત 3 ટર્મથી ભાજપનો ભગવો આ બેઠક પર કાયમ હતો. ત્યારે કોંગ્રેસે પોતાનો એક્કો જમાવવા અલ્પેશ ઠાકોરને મેદાને ઉતાર્યો હતો. એ સમયે અલ્પેશ ઠાકોર પણ હાર્દીક પટેલ અને જિગ્નેશ પટેલની જેમ યુવા નેતા તરીકે ઉભરી રહયા હતા. 2017ની ચૂંટણીના દોઢ વર્ષ પહેલા આંદોલનકારી તરીકે સમાજ વચ્ચે આવેલા અલ્પેશે ચૂંટણીના સમયે કોંગેસનો ખેસ ધારણ કર્યો હતો. રાહુલ ગાંધીની હાજરીમાં અને જંગી સભા વચ્ચે અલ્પેશે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. ઠાકોર સમાજની વસ્તિ રાધનપુરમાં સૌથી વધારે છે. સાથે જ અલ્પેશ ઠાકોર દ્વારા ઠાકોર સેના અને ઠાકોર સમાજ માટે ચલાવેલા આંદોલનો અને જનજગૃતિની સૌથી વધુ અસર રાધનપુરમાં હતી. આ જ કારણ હતું કે, અલ્પેશ ઠાકોરે રાધનપુરથી જ ચૂંટણી લડવાનો આગ્રહ રાખ્યો. અને મૂકાબલો પણ જોરદાર હતો. અલ્પેશ ઠાકોરે 15000 વોટથી જીત મેળવી અને આ સાથે જ વર્ષ 1998થી ભાજપ શાસિત બેઠક પરથી ભગવાને નકારી લોકોએ કોંગ્રેસનો સાથ આપ્યો.
રાધનપુર ઉત્તરગુજરાતની એક મહત્વની બેઠક જેમાં ઠાકોર સમાજનો હંમેશા દબદબો રહ્યો છે. આમ તો આ બેઠક મૂળ કોગ્રેસની માનવામાં આવે છે. કેમ કે, 1962થી 1985 સુધી 5 વખત આ બેઠક પર જનતાએ કોંગ્રેસનો હાથ પકડયો હતો. જો કે, 1967માં એક વખત આ વિધાનસભા પર કોંગ્રેસની હાર પણ થઇ હતી. એક સમયે કોંગ્રેસ માટે સૌથી વધુ માર્જિનવાળી બેઠક રાધનપુર ગણાતી હતી.
કોંગેસ પાર્ટીનો વોટરેશિયો આ બેઠક પર 47.47 હતો. જ્યારે બાકીના 52.53 ટકામાં અન્ય પાર્ટીનો સમાવેશ થતો હતો. 1985 બાદ 2017માં કોંગેસને આ બેઠક પર જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો. 32 વર્ષ બાદ મળેલી જીત બાદ કોંગ્રેસ આ બેઠકને ફરી પોતાનો ગઢ બનાવે એ પહેલા જ અલ્પેશે ભગવો ઘારણ કરી લીધો છે. જેના કારણે આ બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ બેઠક 2017માં પણ ચર્ચામાં હતી અને અત્યારે પણ ચર્ચામા છે. કારણ કે, જે ચહેરાએ 2017માં ભાજપને હાર આપી તે ચહેરો ભાજપ તરફથી મેદાનમાં ઉતરશે. ઈલેક્શન કમિશનની ચૂંટણીની જાહેરાત પહેલા અને ભાજપ દ્વારા પણ ઉમેદવારની જાહેરાત થાય એ પહેલા જ અલ્પેશ ઠાકોરે ફરી એક વાર ધામા નાખ્યા છે અને પ્રચાર પર શરૂ કરી દીધો છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જે ચહેરાને કોંગેસમાંથી સ્વીકૃતિ સાથે જીત અપાવી હતી. શું એ જ ચહેરો ભાજપનો ભગવો ત્યાં લહેરાવી શકશે. કેમ કે 2017માં ભાજપ સરકારની તમામ ખામીઓ અલ્પેશ ઠાકોર લોકો વચ્ચે લાવ્ચા હતા. ત્યારે અચાનક ખૂબીઓને લોકોને વાત ગળે ઉતરે એમ સમજાવી શકશે.
રાધનપુર બેઠક પર જાતિગત સમીકરણો
વર્ષ 2017ની ચૂંટણીના આંકડા પ્રમાણે રાધનપુર બેઠકમાં કુલ 2.67 લાખ મતદારો છે. જેમા 75 હજાર ઠાકોરો, 23 હજાર ચૌધરી, 20 હજાર દલિત, 20 હજાર મુસ્લિમ, 16 હજાર આહિર, 15500 રબારી, નાડોદા રાજપૂત 10,000, મીરાસિ ઠાકોર સમાજ, 10,000, 6000 બ્રાહ્મણ, પ્રજાપતિ સમુદાયની સંખ્યા 5000ની છે.
ઠાકોરોની વસ્તી સૌથી વઘુ હોવાના કારણે આ બેઠક પર ઠાકોર સમાજ ગેમ-ચેન્જરની ભૂમિકામા હોય છે. આ બેઠક પર એ જ રાજકીય પાર્ટીની જીત થાય છે જે આ વોટબેંકને પોતની તરફ કરવામાં સફળ થાય છે. અત્યાર સુધીની વોટિંગ પેર્ટન પ્રમાણે ઠાકોરો સાથે ચૌધરી, રબારી, આહિર, નાડોદા મીરાસી ઠાકોર, બ્રાહ્મણના વોટ એક તરફી થાય છે. ત્યારે મુસ્લિમ-દલિત સમાજના વોટ એક તરફ હોય છે. 1962થી ઠાકોરો કોંગેસ સાથે રહ્યા હતા. જેના કારણે કોંગેસને જીત મળી રહી હતી. જો કે ત્યાર બાદ કોંગેસ આ વોટબેંકને સાચવી શકી નહીં. આ બેઠક પરથી શંકરસિહ વાઘેલાને પણ રાજપામાંથી 1997માંથી જીત મળી હતી. જો કે 1998માં આ બેઠક પરના ઠાકોર ચૌધરી વોટ બેંકનું ગણિત ભાજપ ખૂબ સારી રીતે સમજી ગઇ હતી. જેના કારણે જ ભાજપે 1998ની પેટાચૂંટણીમાં શંકર ચૌઘરીને મેદાને ઉતાર્યા અને ભાજપનો આ પ્રયોગ સફળ પણ થયો. 1998થી 2012 સુધી આ બેઠક પર ભાજપને સફળતા મળી. સતત 3 ટર્મ સુધી આ બેઠક પરથી શંકર ચૌધરીને જીત મળી તો, વર્ષ 2012માં ભાજપે આ બેઠક પર નાગજી ઠાકોરને મેદાને ઉતાર્યા તેમા પણ ચૌધરી-ઠાકોર વોટબેંક ભાજપ તરફી હોવાની જીત મળી હતી. જો કે 2017માં ભાજપની આ બેઠક પર હાર થઇ ત્યારે પેટાચૂંટણીમાં કઈ પાર્ટી જીતનું પુનરાવર્તન કરશે એની પર સૌની નજર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.