મુમુક્ષુઓને સત્સંગદીક્ષા ગ્રંથની અણમોલ ભેટ આપતા પૂ.મહંતસ્વામી મહારાજ

– આધ્યાત્મિકતાના શિખરે પહોંચાડવા

– પૂ.મહંતસ્વામી મહારાજ દ્વારા લિખિત સત્સંગદીક્ષા ગ્રંથમાં આજ્ઞાા- ઉપાસનાના સિધ્ધાંતો ઉપરાંત આલોક અને પરલોકમાં સુખીયા થવાની વાતને પણ વણી લેવામાં આવી છે

બ્ર હ્મસ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દિ પર્વે, તેઓના આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ શ્રી મહંતસ્વામી મહારાજે તાજેતરમાં ગુજરાતી ભાષામાં સ્વહસ્તે લખીને સત્સંગદીક્ષા ગ્રંથની અણમોલ ભેટ આપીને સૌ મુમુક્ષુઓ પર અને આવનારી અનેક પેઢીઓ પર ખુબ મહાન ઉપકાર કર્યો છે.

આ ગ્રંથ પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન દ્વારા પ્રબોધિત આજ્ઞાા અને ઉપાસનાના સિધ્ધાંતને પ્રસ્તુત કરે છે. આ ગ્રંથને મહામહોપાધ્યાય ભદ્દેસદાસ સ્વામીએ સંસ્કૃતમાં શ્લોકબધ્ધ કર્યો છે. ગાગરમાં સાગર સમાન આ ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત્ પરબ્રહ્મ, સર્વોપરી, સર્વકર્તા, સદા દિવ્ય, સાકાર અને સદા પ્રગટ છે. ગુણાતીત ગુરૂ અક્ષરબ્રહ્મ છે. એમને વિષે દૃઢ પ્રીતિ અને આત્મબુધ્ધિ સાધનાનો સાર છે. વગેરે સિધ્ધાંતોની સ્પષ્ટતા થઈ છે. અક્ષરરૂપ થઈ પુરૂષોત્તમની દાસભાવે ભક્તિ કરવી, ભગવાનના કર્તાપણા- રાજીપાનો વિચાર, આત્મવિચાર, જગતના નાશવંતપણાનો વિચાર, દિવ્યભાવ, દાસભાવ, અંતદૃષ્ટિ આ ઉપરાંત મોળી વાત ન કરવી, અભાવ- અવગુણ એ સત્સંગનું વિસ્ફોટક છે. કરેલી અધ્યાત્મ સાધનાનો સત્યાનાશ કરીને અધોગતિની ઊંડી ખાઈમાં નાંખી દે છે. એટલે ગુણગ્રહણદૃષ્ટિ કેળવવી, મંદિર મહિમા, સત્સંગીએ કરવાની નિત્યવિધિ, સદાચાર, નિયમ- ધર્મ, સાપ્તાહિક સત્સંગસભા, ઘરસભા વગેરે નિત્ય સાધનાઓ પણ આમાં વણી લેવામાં આવી છે.

આ ગ્રંથના શીર્ષકમાં પ્રયોજાયેલ ‘દીક્ષા’ શબ્દનો અર્થ દૃઢ સંકલ્પ અચળ નિશ્ચય અને સમ્યક સમર્પણ છે. સત્સંગના આજ્ઞાા અને ઉપાસના સંબંધી સિધ્ધાંતોને જીવનમાં દૃઢ કરવાનો સંકલ્પ કરીએ, તે સિધ્ધાંતોનો અચળ નિશ્રય પ્રાપ્ત કરીએ અને તે સિધ્ધાંતો માટે સમ્યક સમર્પિત થઈએ તેવો જીવનસંદેશ આ ગ્રંથમાં પડઘાય છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.