– સાંજે ૭ઃ૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ : હૈદરાબાદ પણ પોઈન્ટ ટેબલમાં સ્થાન મજબૂત કરવા પ્રયાસ કરશે
મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈની ટીમ પર પર્ફોમન્સનું દબાણ સર્જાયું છે. એક સમયે અત્યંત પ્રભાવશાળી દેખાવ કરવા માટે જાણીતા ચેન્નાઈના પર્ફોમન્સમાં આ વર્ષે ભારે ચડાવ-ઉતાર જોવા મળી રહ્યો છે. પોઈન્ટ ટેબલમાં સાતમું સ્થાન ધરાવતા ચેન્નાઈને સ્થિતિ સુધારવા માટે આવતીકાલે હૈદરાબાદ સામે જીતવું જ પડશે.
ચેન્નાઈ તેની છેલ્લી પાંચમાંથી માત્ર એક જ મેચ જીત્યું છે. જ્યારે હૈદરાબાદ તેની છેલ્લી પાંચમાંથી ત્રણ મેચમાં વિજય મેળવી ચૂક્યું છે. વોર્નર અને ધોનીની ટીમો વચ્ચેનો મુકાબલો સાંજે ૭ઃ૩૦ વાગ્યાથી શરૃ થશે. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી વોટસન અને ડુ પ્લેસીસે શાનદાર દેખાવ કર્યો છે. જોકે ચેન્નાઈને મીડલ ઓર્ડરના મજબૂત દેખાવની જરૃર છે.
કેદાર જાધવે પડતો મૂકીને તેમણે છેલ્લી મેચમાં યુવા બેટ્સમેન નારાયણ જગદીશનને અજમાવ્યો હતો, જેણે ૨૮ બોલમાં ૩૩ રન કર્યા હતા અને રાયડુનો સાથ આપતાં અસરકારક દેખાવ કર્યો હતો. જોકે તેઓના આઉટ થયા બાદ ચેન્નાઈનો ધબડકો થયો હતો. સેમ કરન, જાડેજા અને ડ્વેન બ્રાવો પણ ટીમને ઉગારી શક્યા નહતા.
ધોનીએ કબૂલાત કરી હતી કે, બેટીંગ અમારા માટે ચિંતાનું કારણ છે અને અમારે કોઈ ઉકેલ શોધવો જ પડશે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં દીપક ચાહર અને રવિન્દ્ર જાડેજાએ અસરકારક દેખાવ કર્યો છે. બ્રાવોના પુનરાગમનથી અન્ય બોલરો પરનું ભારણ હળવું થયું છે. જોકે કરન, ઠાકુર અને કર્ણ શર્માએ તેમના દેખાવને સુધારવો પડશે.
ડેવિડ વોર્નરની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પ્રભાવ પાડયો છે. રાજસ્થાન સામેની મેચમાં એક તબક્કે નિશ્ચિત જીત તરફ આગળ વધી રહેલા હૈદરાબાદને તેવટિયા અને પરાગની જોડીએ હાર તરફ ધકેલ્યું હતુ. ડેથ ઓવર્સમાં બોલરોના કંગાળ દેખાવને કારણે ટીમના આત્મવિશ્વાસને ફટકો પડે તેવી હારનો સામનો તેમને કરવો પડયો હતો.
વોર્નર, બેરસ્ટો, વિલિયમસન અને મનીષ પાંડે શાનદાર ફોર્મમાં છે, જેના કારણે હૈદરાબાદને બેટીંગની સમસ્યા નથી, પણ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ભુવનેશ્વરની ગેરહાજરી ટીમ માટે ચિંતા જન્માવે તેવી છે. ટી-૨૦ના નિષ્ણાત બોલર રાશિદ ખાને પ્રભાવ પાડયો છે. જોકે તેમની બોલિંગ લીંકમાં કેટલાક નબળી કડીઓ પણ છે, જેના કારણે ટીમની ચિંતા વધી છે. સંદીપ શર્મા, ખલીલ અહમદ અને યુવા બોલર અભિષેક શર્માએ તેમના પર્ફોમન્સમાં સુધારો કરવાની જરુર છે.
ચેન્નાઈ : ધોની (કેપ્ટન), એમ. વિજય, રાયડુ, ડુ પ્લેસીસ, વોટસન, જાધવ, બ્રાવો, જાડેજા, એનગિડી, ડી.ચાહર, ચાવલા, તાહિર, સાન્ટનર, હેઝલવૂડ, ઠાકુર, સેમ કરન, જગદીશન, કે.એમ.આસિફ, મોનુ કુમાર, આર. સાઈ કિશોર, ઋતુરાજ ગાયકવાડ અને કર્ણ શર્મા..
હૈદરાબાદ : વોર્નર (કેપ્ટન), બેરસ્ટો, વિલિયમસન, મનીષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, વિજય શંકર, નાબી, રાશિદ, મિચેલ માર્શ, અભિષેક શર્મા, બી.સંદીપ, સંજય યાદવ, ફાબિયન એલન, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, સિદ્ધાર્થ કૌલ, બિલી સ્ટાન્લેક, ટી.નટરાજન, બાસિલ થામ્પી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.