મુંબઇમાં માસ્ક વિના નીકળનારને અચૂક પકડો, મ્યુનિસિપલ કમિશનરનો વટહુકમ

-રોજ સરેરાશ 950 જણ પકડાય છે

મુંબઇના મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ સિંઘે પોતાના કર્મચારીઓને તાકીદ કરી હતી કે માસ્ક વિના નીકળતા લોકોને અચૂક પકડો અને દંડ કરો.

આમ પણ મુંબઇ મહાનગરમાં રોજ સરેરાશ 950થી 1,000 નાગરિકો માસ્ક વિના ઝડપાય છે અને દંડ ભરે છે. મુંબઇમાં એપ્રિલની 9મીથી સપ્ટેંબરની 12મી સુધીમાં માસ્ક વિના ફરતા 4,900 લોકોને પકડીને 33 લાખ 50 હજાર રૂપિયાથી વધુ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

વારંવારની ચેતવણી છતાં હજુ અસંખ્ય લોકો માસ્ક વિના નીકળે છે અને મુંબઇ સહિત સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હતા. લોકોમાં સ્વયંશિસ્ત જોવા મળતું નહોતું. ચાલુ વર્ષના સપ્ટેંબરની 13મીથી ઓક્ટોબરની 10મી સુધીમાં 500થી વધુ લોકો માસ્ક વિના ફરતા ઝડપાયા હતા અને તેમની પાસેથી 52 લાખ 50 હજારથી વધુ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

જો કે અગાઉ માસ્ક વિના પકડાતા લોકો પાસે રૂપિયા 1,000 વસૂલ કરાતા હતા. પાછળથી દંડની રકમ ઘટાડીને 200 રૂપિયા કરાઇ હતી. જો કે દંડની રકમ ઘટી જતાં ફરી લોકો માસ્ક વિના બેધડક ફરતા નજરે પડ્યા હતા. મુંબઇમાં રોજ કોરોનાના સરેરાશ 1500થી 2000 નવા કેસ નોંધાઇ રહ્યા હતા એમ બીએમસીના એક પ્રવક્તાએ કહ્યું હતું. કોરોનાના સંક્રમણને ઘટાડવા કડક પગલાંની જરૂર છે અને હું પોતે પણ ચેક કરવા સડકો પર નીકળીશ એમ મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ સિંઘે કહ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.