શ્રીનગર: લાલચોક પર ત્રિરંગો ફરકાવવા ગયેલા ભાજપીઓની અટક, મહેબૂબા મુફ્તીના નિવેદનથી હોબાળો

– રવિવારે ભાજપીઓએ પીડીપી કાર્યાલયની બહાર દેખાવો કર્યા હતા

હું જમ્મુ કશ્મીરના ધ્વજ સિવાય કોઇ ધ્વજને ફરકાવીશ નહીં એવા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીના વિધાને હોબાળો સર્જ્યો હતો અને આજે સોમવારે સવારે ભાજપના કાર્યકર્તાઓએ મહેબૂબા વિરોધી દેખાવો કરવા ઉપરાંત શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો ફરકાવવાના પ્રયાસો કર્યા હતા. જો કે પોલીસે આ લોકોને તરત અટકમાં લીધા હતા.

આજે ભાજપે ત્રિરંગા જમ્મુ કશ્મીરમાં ત્રિરંગા યાત્રાની જાહેરાત કરી હતી. એ પહેલાં રવિવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ પીડીપીના કાર્યાલય સામે દેખાવો કર્યા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાજપનો એક હિસ્સો છે. આ લોકોએ પીડીપી કાર્યાલયની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને મહેબૂબા મુફ્તી મુર્દાબાદના સૂત્રોથી વાતાવરણ ગજાવ્યું હતું.

મહેબૂબા મુફ્તી ગયા વર્ષના ઑગષ્ટની ચોથી તારીખથી નજરકેદમાં હતાં. એમની અટકાયતના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીના પગલે તાજેતરમાં એમને મુક્ત કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ કશ્મીર ખીણ વિસ્તારમાં રાજકીય પ્રવૃત્તિ વધી હતી. એક સભામાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડૉક્ટર ફારુખ અબ્દુલ્લાએ એવો દાવો કર્યો હતો કે અમે ચીનની મદદથી જમ્મુ કશ્મીરમાં 370મી કલમનો અમલ પાછો લાવીશું.

ત્યારબાદ મહેબૂબાએ એવો હુંકાર કર્યો હતો કે હું ભારતીય રાષ્ટ્રધ્વજને ફરકાવવાની નથી. હું માત્ર જમ્મુ કશ્મીરના ધ્વજને ફરકાવીશ. એથી હોબાળો થયો હતો અને એમના નિવેદન સામે તો કોંગ્રેસે પણ  વિરધ વ્યક્ત કર્યો હતો. અત્રે એ યાદ રહે કે જમ્મુ કશ્મીરમાં પીડીપી, નેશનલ કોન્ફરન્સ સહિત ઘણા પક્ષોએ કોઇ પણ ભોગે 370મી કલમ પાછી લાવવા માટે લડત ચલાવવાની જાહેરાત કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.