પંજાબમાં બ્લેક આઉટ થવાની તૈયારી, ખેડૂતોના આંદોલનને કોલસાની ગૂડ્સ ટ્રેનો પહોંચી નહીં

પંજાબમાં ગમે તે ઘડીએ બ્લેક આઉટ થવાની ગંભીર સમસ્યા તોળાઇ રહી હતી. કોલસાની તંગીના કારણે પાંચ થર્મલ વીજ મથકો ઠપ થઇ ચૂક્યા હતા.

કેન્દ્ર સરકારે ખેડૂતો માટે ઘડેલા ત્રણ નવા કાયદાની વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનના કારણે ટ્રેનો બંધ છે. કોલસા લઇને આવતી માલગાડીઓ ઘણા દિવસથી પંજાબ પહોંચી નથી એટલે થર્મલ વીજ મથકોને જરૂરી એવો કોલસો હાજર નથી. દિવાળી જેવા પર્વાધિરાજ પ્રસંગે પંજાબનાં ઘરોમાં અંધારું છવાઇ જવાની શક્યતા નકારી કઢાતી નથી.

પંજાબ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડના પ્રવક્તાએ કહ્યું હતું કે બુધવારથી (આજથી ) સરેરાશ ત્રણ કલાક પાવર કટ કરવાની ફરજ પડશે. ખેડૂત વિરોધી કહેવાતા કાયદા સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને સાતમી નવેંબર સુધી ટ્રેનો નહીં ચાલવા દેવાની ધમકી ઉચ્ચારી હતી. અત્યારે પણ સેંકડો લોકો ટ્રેનોના પાટા પર બેઠાં છે એટલે ટ્રેનો દોડાવી શકાય એમ નથી.

અત્યારે તહેવારોના પગલે પંજાબ રાજ્યમાં રોજની 6,000 મેગાવોટ વીજળીની માગ હોય છે. એમાં 5,000 મેગાવોટ કેન્દ્ર સરકાર તરફથી મળે છે. નાભા અને તલવંડી સાબોના વીજમથકો ખાનગી કંપનીના છે. કોલસાના અભાવે આ બંને વીજમથકો કંપનીએ બંધ કરી દીધા હતા. લેહરા મુહબ્બત અને રોપડા પાવર પ્લાન્ટમાં બે દિવસ ચાલે એટલો કોલસો છે. પછી બ્લેક આઉટ કરવો પડશે એમ આ પ્રવક્તાએ કહ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.