– આખા દેશના ટોલ પ્લાઝા કેશલેશ બનશે
– અત્યારે અનેક ટોલબૂથ પર ફાસ્ટટેગની સુવિધા કામ કરતી નથી
ફાસ્ટટેગ હશે તો જ વાહનને ફિટનેસ સર્ટિફિકેટ મળશે
ટોલ બૂથ પરની લાંબી લાઈનો દૂર કરવા માટે સરકારે પહેલેથી જ ફાસ્ટટેગની સુવિધા ઉભી કરી છે. હવે જાન્યુઆરી 2021થી આખા દેશના તમામ ટોલબૂથ પર ફાસ્ટટેગ ફરજિયાત થશે. એટલે કે ટોલબૂથમાંથી પસાર થનારા તમામ વાહનોમાં ફાસ્ટટેગ લાગેલું હોવુ જોઈશે.
જો ટેગ નહીં હોય તો વાહને પસાર થવામાં મુશ્કેલી થશે. ફાસ્ટટેગ એ વાહન પર લગાવાતું એક ઈલેક્ટ્રોનિક સ્ટીકર છે, જેનાથી વાહન ધારકના ખાતામાંથી જ સીધા ટોલના પૈસા કપાઈ જાય છે.
કેન્દ્રિય રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. અત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)ના ટોલબૂથ પર પસાર થતા 80 ટકા વાહનો તો ફાસ્ટટેગ ધરાવે જ છે. ફાસ્ટટેગનો ફાયદો એ છે કે વાહને ટોલ પ્લાઝા પર લાંબો સમય રાહ જોવી પડતી નથી અને તુરંત ત્યાથી નીકળી શકે છે.
જોકે ભારતના ઘણા ટોલબૂથમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી ફાસ્ટટેગ ધરાવતા વાહનો પણ સરળતાથી પસાર થઈ શકતા નથી. ઘણા ખરા ટોલબૂથનો વહિવટ જ અણઘડ રીતે થાય છે. ફાસ્ટટેગ વગર વાહનને ફિટનેસ સર્ટિફિકેટ પણ આપવામાં નહીં આવે. તો વળી થર્ડ પાર્ટી ઈન્સ્યુરન્સ વખતે પણ ફાસ્ટ ટેગની જરૂર પડશે.
ડિસેમ્બર 2017 પછી નવા વેચાયેલા વાહનોમાં તો ફાસ્ટટેગ ત્યારે જ ફરજિયાત કરી દેવાયા હતા. પરંતુ એ પહેલાના વાહનો માટે હવે આ નિયમ લાગુ પડશે. દેશભરના ટોલ પ્લાઝામાં આ નિર્ણયનો અમલ કરવા માટે ટ્રાન્સપોર્ટ મંત્રાલયનો ધ નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન વિભાગ કાર્યરત છે. ફાસ્ટટેગ દ્વારા ભારતમાં રોજ 92 કરોડનો ટેક્સ કલેક્ટ કરવામાં આવે છે.
ફાસ્ટટેગ ઓનલાઈન કે સરકારે નક્કી કરેલી 23 બેન્કોમાંથી ખરીદી શકાય છે. રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીની ઓફિસ પર પણ આવા ટેગનું વેચાણ થતું હોય છે. આ નિયમને કારણે હવે જેમને ટોલ બૂથમાંથી પસાર થવાનું હોય એ તમામ વાહનોએ ફાસ્ટટેગ લગાવી લેવું હિતાવહ છે. ફાસ્ટટેગની ખરીદી માટે લાઈસન્સ ઉપરાંત વાહનનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.