આયુર્વેદના ડૉક્ટરોને આંખ, નાક, કાન, ગળા સહિત 58 પ્રકારની સર્જરી કરવાની મંજૂરી

– માત્ર શલ્ય અને શાકલ્ય શાખાના ડૉક્ટરોને જ સર્જરીની મંજૂરી : સીસીઆઈએમ

– સીસીઆઈએમનો નિર્ણય આધુનિક મેડિસિન અને આયુર્વેદના મિશ્રણના પ્રયાસ સમાન, દર્દીઓની સલામતી જોખમાશે : આઈએમએ

દેશમાં આયુર્વેદને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે મોદી સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરો હવે 58 પ્રકારની સર્જિકલ પ્રોસીજરમાં તાલિમ મેળવવાની સાથે પ્રેક્ટિસ પણ કરી શકશે. આયુર્વેદના ડૉક્ટરો હવે જનરલ અને ઑર્થોેપેડિક સર્જરીની સાથે આંખ, કાન અને ગળાની સર્જરી પણ કરી શકશે.

સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિને ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) નિયમ, 2016માં સુધારો કરીને આયુર્વેદનાા ડૉક્ટરોને 39 સામાન્ય સર્જરી અને આંખ, કાન, નાક અને ગળા સહિત 19 અન્ય સર્જરી કરવાની મંજૂરી આપી છે.

જોકે, મોદી સરકારના આ નિર્ણય સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)એ વિરોધ નોંધાવ્યો છે અને આયુર્વેદના ડૉક્ટરોની સર્જરીને આધુનિક સર્જરી એટલે કે એલોપથી ડૉક્ટરોની સર્જરીથી અલગ રાખવા કેન્દ્ર સરકારને સલાહ આપી છે.

આયુષ મંત્રાલય હેઠળ કાયદાકીય સંસ્થા સીસીઆઈએમે જણાવ્યું હતું કે, આ નિયમને ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) અમેન્ડમેન્ટ રેગ્યુલેશન, 2020 કહેવાશે. આ નિયમ હેઠળ આયુર્વેદના શલ્ય અને શાકલ્યના પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટર્સને અભ્યાસ દરમિયાન પ્રેક્ટિકલી તાલીમ આપી શકાશે અને પીજીની ડિગ્રી પૂરી કર્યા પછી તેઓ સ્વતંત્ર રીતે 58 પ્રકારની સર્જરી કરી શકશે.

આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે સીસીઆઈએમનું જાહેરનામુ કોઈ નીતિવિષયક પરિવર્તન નથી અથવા કોઈ નવો નિર્ણય નથી. આ જાહેરનામુ એક પ્રકારે ખુલાસો છે. આ જાહેરનામુ ચોક્કસ પ્રક્રિયાના સંદર્ભમાં આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી સંબંધિત વર્તમાન નિયમોને સરળ અને સુવ્યવસ્થિત કરે છે.

વધુમાં આ જાહેરનામુ આયુર્વેદના ડૉક્ટરો માટે સર્જરીનું સંપૂર્ણ ક્ષેત્ર ખુલ્લું નથી મુકતું. તે ચોક્કસ સર્જરીની જ મંજૂરી આપે છે. ઉપરાંત તેમાં એમ પણ જણાવાયું છે કે આયુર્વેદના બધા જ પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટર્સ સર્જરી કરી શકશે નહીં. માત્ર શલ્ય અને શાકલ્યમાં સ્પેશિયલાઈઝ્ડ ડૉક્ટરોને જ સર્જરી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

સીસીઆઈએમના ચેરમેન વૈદ્ય જયંત દેવપુજારીએ ખુલાસો કર્યો હતો કે, આયુર્વેદ સંસ્થાઓમાં આ સર્જરી 20 વર્ષ કરતાં વધુ સમયથી થઈ રહી છે. આ જાહેરનામુ માત્ર આ પ્રક્રિયાને કાયદેસરતા આપે છે. ઉપરાંત આ જાહેરાનામાનો એક આશય આયુર્વેદના ડૉક્ટરો માટે એક હદ નક્કી કરવાનો પણ હતો, જેથી પ્રેક્ટિશનર્સ નિયમોમાં જણાવ્યા મુજબના ક્ષેત્રમાં જ સર્જરી કરી શકે.

જોકે, સીસીઆઈએમના આ પગલાં સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)એ વિરોધ નોંધાવ્યો છે. આઈએમએનું કહેવું છે કે સીસીઆઈએમ આયુર્વેદની ચોક્કસ સ્ટ્રીમ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડૉક્ટરોને સર્જરીની તાલિમ આપવાની મંજૂરી આપીને બે અલગ અલગ મેડિકલ શાખાઓનું મિશ્રણ કરી રહી છે.

આ પ્રકારનું મિશ્રણ દર્દીઓની સલામતીના મૂળભૂત માપદંડો સાથે જોખમી છે. તેણે સીસીઆઈએમને આ જાહેરનામુ પાછું ખેંચવાની માગણી કરી હતી અને કહ્યું કે તેણે આયુર્વેદના પૌરાણિક જ્ઞાાનથી તેની પોતાની સર્જરી શાખા વિકસાવવી જોઈએ અને આધુનિક મેડિકલની સર્જરીને તેનાથી અલગ રાખવી જોઈએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.