લોકશાહીમાં વડાપ્રધાન કે સરકારી પક્ષ ઉગ્ર બની જાય તો દેશને નુકસાન થાય

એક યા બીજી કક્ષાએ ચુંટણીઓ તો સતત ચાલતી જ રહે છે અને તેમાં કોઇને કશી નવાઇ લાગતી નથી પણ ૨૦૧૯ ની લોકસભા ચુંટણી અને ૨૦૧૯ ની સાલ ભારતના રાજકારણમાં અનોખા પરીવર્તનો માટે હરહંમેશ યાદ રાખવામાં આવશે. ચુંટણી મારફતે રાજકીય પક્ષો વચ્ચે સત્તાંતરો થાય તે લોકશાહીનું લક્ષણ છે અને પક્ષોની ચડાઊતરી થાય તે પણ સહજ અને સામાન્ય છે પણ ૨૦૧૯ની લોકસભાની ચુંટણી અસાધારણ સંજોગો વચ્ચે બનેલી સાધારણ બાબત છે. ૨૦૧૯ માં કશું સત્તાંતર તો થયું જ નથી. સત્તાધારી પક્ષે પોતાની સત્તા અને પોતાનું સિંહાસન જાળવી રાખ્યા છે. વડાપ્રધાન પણ તેના તેજ અને હતા તેવા જ રહ્યા છે. અનિવાર્ય કારણોસર થયેલાં બે ચાર નજીવા ફેરફારો બાદ કરીએ તો પ્રધાનમંડળ પણ અગાઉ હતું તેનું તેજ રહ્યું છે અને છતાં આ ચુંટણીનાં કારણે ભારતની રાજકીય પક્ષ પ્રણાલીમાં જબરદસ્ત ફેરફાર થયા છે. આધુનિક લોકશાહીઓમાં બંધારણ અગત્યનું હોય છે પણ બંધારણ તો નિર્જીવ દસ્તાવેજ છે. રાજકાજની ગતીવિધી તો રાજકીય પક્ષોનાં આગેવાનો પોતાનાં અને બીજાનાં બળ કે નબળાઇ પ્રમાણે ચલાવે છે. તેથી આધુનિક લોકશાહીઓમાં બંધારણ કરતાં પણ રાજકીય પક્ષો અને તેમની વચ્ચેની અરસપરસની જાળગુંથણીને વધારે મહત્વ આપવામાં આવે છે.

લોકશાહીની ચુંટણી અગાઉ ભાજપે ત્રણ રાજયો – રાજસ્થાન – મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સત્તા ગુમાવી હોવાનાં કારણે વિરોધપક્ષનાં આગેવાનો ગેલમાં આવી ગયા હતા અને ભાજપની સરકારનો પરાજય નકકી જ છે તેમ માની લઇને વૈકલ્પિક સરકારની અને કોણ વડોપ્રધાન બનશે તેવી ચર્ચા જોરશોરથી ચાલવા લાગી હતી. ચંદ્રબાબુ નાયડુ, મમતા બેનરજી, માયાવતી, રાહુલ ગાંધી સત્તાનાં ભોગવટાનાં સ્વપ્ન જોઇ રહ્યા હતા અને ચુંટણીના પછડાટ પછી નરેન્દ્ર મોદી પરદેશ ભાગી જશે તેવું રાહુલ ગાંધીએ જાહેરમાં કહ્યું હતું. આ ચુંટણી અમે જ જીતવાના છીએ અને વધારે મોટી બહુમતી બેઠકો – ત્રણસો કરતાં વધારે બેઠકો મેળવવાનાં છીએ તેવું નરેન્દ્ર મોદી અને અમિત શાહ છાતી ઠોકીને કહેતા હતા પણ તેમની વાત આ બે જણ સિવાય કોઇ માનવા તૈયાર ન હતું. પણ ચુંટણીનાં પરિણામોએ બધું દટ્ટણ પટ્ટણ કરી નાખ્યું અને મોદીનાં બદલે રાહુલ ગાંધી પરદેશ જઇને બેઠા. રાષ્ટ્રીય અને પ્રાદેશિક કક્ષાનાં લગભગ તમામ પક્ષો સાફ થઇ ગયા. લોકસભામાં વિરોધીપક્ષોને કુલ મળીને દોઢસો કરતાં વધારે બેઠક મળી છે પણ કોઇ પક્ષને રાજી થાય તેટલી બેઠકો મેળવી શકયો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.