હેકર્સે વિશ્વ આરોગ્ય સંસ્થાના કોરોના રસીના વિતરણને ખોરવવાનો પ્રયાસ કર્યો

– આઇબીએમએ સાયબર જાસૂસીનો પ્રયાસ ઉઘાડો પાડયો

– કોઈ દેશનું સુવ્યવસ્થિત કારસ્તાન, રસીની વિતરણ પ્રણાલીની સંવેદનશીલ માહિતી મેળવવાનો કારસો

વિકસતાં દેશોને કોરોના રસી પુરી પાડવાના વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રયાસોની મહત્ત્વની માહિતી મેળવવા માટે ફિશિંગ મેઇલનો પ્રયોગ એક સાયબર જાસૂસીના ભાગરૂપે કરવામાં આવ્યો હોવાનું આઇબીએમ સિક્યુરિટી રિસર્ચર્સે શોધી કાઢ્યું હતું.

સંશોધકોએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં શરૂ થયેલી આ ઝૂંબેશ પાછળ કોણ છે અથવા તે સફળ થઈ કે કેમ તે બાબતે અમે ચોક્કસ માહિતી ધરાવતાં નથી. પણ જે ચોકસાઈથી આ કામગીરી માટે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યા હતા અને જે રીતે તેમનું પગેરૂં ભૂંસી નાંખવામાં આવ્યું છે તે દર્શાવે છે કે આ કોઈ દેશનું કામ છે તેમ સંશોધકોએ એક બ્લોક પોસ્ટમાં જણાવ્યું હતું.

આ ઝુંબેશમાં જર્મની, ઇટાલી, દક્ષિણ કોરિયા અને તાઇવાનને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. આ દેશો કોરોના રસીના વિતરણ માટે જરૂરી કોલ્ડ ચેઈન વિકસાવવાના કામ સાથે સંકળાવવાની શક્યતાઓ હતી.

આઇબીએમે જણાવ્યું હતું કે જ્યાં ત્રણ અબજ લોકો વસે છે અને તેમની પાસે જરૂરી તાપમાને કોરોના રસીનો સંગ્રહ કરવા માટે સ્ટોરેજ અપૂરતું છે ત્યાં રસી પહોંચાડવા માટે અવિરત રેફ્રિજરેશનની જરૂર પડે તેમ છે. આ ફિશિંગ પ્રયાસને શોધી કાઢવાના કામ સાથે સંકળાયેલી આઇબીએમ એનાલિસ્ટ ક્લેર ઝાબોઇવાએ જણાવ્યું હતું કે આ સૌથી મહત્ત્વની રસીને દુનિયાભરમાં પુરી પાડવાની રૂપરેખા સમાન માહિતી તફડાવવાનો પ્રયાસ છે.

જે લોકો આ કામગીરી કરવામાં સંડોવાયેલાં છે તેઓ રસી કેવી રીતે સંગ્રહવામાં આવશે અને તેનું કેવી રીતે વિતરણ કરવામાં આવશે તે સમગ્ર રેફ્રિજેરેશન પ્રોસેસ જાણવાની ઇચ્છાથી પ્રેરિત હોઈ શકે છે અને તેની નકલ કરવા માટે તેમણે આ કામ કર્યું હોય તે શક્ય છે તેમ નીક રોસમેને જણાવ્યું હતું.

રોસમેન આઇબીએમની ગ્લોબલ થ્રેટ ઇન્ટેલીજન્સ ટીમનો વડો છે. અથવા તેઓ રસીની વિતરણ વ્યવસ્થાને ખોરવી નાંખવાનો મનસૂબો પણ ધરાવતાં હોઈ શકે છે તેમ રોસમેને ઉમેર્યું હતું. ગાવી વેક્સિન અલાયન્સ અને વિશ્વ આરોગ્ય સંસ્થા અને અન્ય યુએન એજન્સીઓ દ્વારા રચવામાં આવેલાં કોવાક્સ કાર્યક્રમ સાથે જે અધિકારીઓ સંકળાવાના હોય તેમને બોગસ ઇમેઇલ મોકલવામાં આવી હતી.

આ ઇમેઇલ ચીનની મુખ્ય કોલ્ચ ચેઈન સપ્લાયર કંપની હેયર બાયોમેડિકલના એક્ઝિક્યુટિવ તરફથી મોકલવામાં આવી હોય તેવો દેખાવ રચવામાં આવ્યો હતો. આ ફિશિંગ ઇમેઇલમાં એવા એટેચમેન્ટ મોકલવામાં આવ્યા હતા જે ઇમેઇલ મેળવનારને એવી માહિતી આપવા માટે જણાવતા હતા જેનો રસીની ડિલિવરીની મહત્ત્વની વિગતો જાણવા માટે ઉપયોગ કરી શકાય.

માઇક્રોસોફ્ટે પણ ગયા મહિને રશિયન અને ઉત્તર કોરિયાના હેકર્સના આવા અસફળ પ્રયાસને પકડી પાડયો હતો. જેમાં તેમણે અગ્રણી કંપનીઓના અને રસીના સંશોધકોના ડેટાને ચોરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં તેઓ કેટલાં સફળ થયા કે તેમણે કેટલો છેદ માર્યો તેની વિગતો આપવામાં આવી નહોતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.