રાજ્યમાં કોરોના સંક્રમણનો આંકડો સતત ચિંતાજનક આવી રહ્યો છે. રાજ્યમાં આજે ફરી રાજ્યમાં 1500થી વધારે પોઝિટિવ કેસ નોંધાયા. મહાનગરોમાં પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં જેમ-જેમ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તેમ-તેમ કોરોનાનો પ્રસાર પણ વધી રહ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.
રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1514 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1535 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 15 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4064 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,98,527 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 69,668 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 81,72,380 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,41,064 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,40,916 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 148 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.
આજે નોંધાયેલા 1514 પોઝિટિવ કેસમાંથી અમદાવાદ શહેરમાં 296, અમદાવાદ જિલ્લામાં 36, સુરત શહેરમાં 202, સુરત જિલ્લામાં 39, વડોદરા શહેરમાં 137, વડોદરા જિલ્લામાં 41, રાજકોટ શહેરમાં 101, રાજકોટ જિલ્લામાં 44 કોરોનાના કેસ નોંધાયા છે.
રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 90 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,652 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,98,527 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 4064 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 91.35% છે.
વેક્સિનેશનને લઈને DyCMનું મોટું નિવેદન
કોરોનાની રસીની સમગ્ર દેશને રાહ છે. વેક્સિન વિતરણને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગુજરાતમાં વેક્સિન વિતરણ કંઈ રીતે થશે તેને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. વેક્સિનના વિતરણને લઈને તંત્રએ પુરી તૈયારી કરી લીધી હોવાની વાત આજે તેમણે કરી છે. વેક્સિનના વિતરણને લઈને ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
વેક્સિનને ઓછા તાપમાને રાખવા કોલ્ડચેઈનની વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે રાજ્ય સરકારે વેક્સિનેશન માટેની તમામ વ્યવસ્થા ગોઠવી છે. સૌ પ્રથમ વેક્સિન આરોગ્ય વિભાગના ડોક્ટરો, નર્સો અને વર્ગ 3 અને 4 ના કોરોના વોરિયર્સ તરીકે સીધા જોડાયેલા છે, સેવા સુશ્રુષા કરે છે, આશાવર્કર બહેનો કાર્યકરો, ગ્રામ વિસ્તારોમાં કાર્ય કરે છે તેમના માટે પ્રથમ પ્રાથમિકતા ભારત સરકારે આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.