સુરતઃ સુરત એરપોર્ટ નજીક ઝીંગા તળાવના કારણે વિમાનો સાથે બર્ડ હિટનો ખતરો વધી જાય છે. એરપોર્ટ પર રોજ 46 વિમાન ટેક-ઓફ અને લેન્ડીંગ કરે છે. જેને બર્ડ હિટથી બચાવવા માટે બર્ડ સ્કેર કેનન ગન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટેક ઓફ અને લેન્ડીંગ પહેલાં રોજ બર્ડ સ્કેર કેનન ગન્સથી 150 ફાયરીંગ કરવામાં આવે છે. જેથી પક્ષીઓ ઉડી જાય છે.
સુરત એરપોર્ટના ડુમસ તરફના રનવે નંબર 4 નજીક બહારના વિસ્તારમાં ઘણા ઝીંગા તળાવ આવેલા છે. જેનાથી આકર્ષિત થઈને મોટી સંખ્યામાં પક્ષીઓ આકાશમાં ઉડતા હોય છે. જેથી વિમાનો સાથે પક્ષીઓ અથડાવાનો ખતરો રહે છે. એરપોર્ટ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઝીંગા તળાવો એરપોર્ટ માટે એક ખતરો બની ગયા છે. ફ્લાઈટમાં વધારો થયા બાદ દર 6 મહિને થતી મિટિંગમાં ત્રણવાર કલેક્ટરને આ મામલે રજૂઆત કરવામાં આવે છે. એરપોર્ટ પર લેન્ડીંગ દરમિયાન ડુમસ તરફ ફાયરિંગ કરવામાં આવે છે. જેથી પક્ષીઓ ઉડી જાય છે. ઉપરાંત દર મિનિટે ફાયરિંગ કરવામાં આવે છે. સવારે 6થી 11.30 કલાક સુધી અંદાજે 80 ફાયરિંગ કરવામાં આવે છે. જ્યારે બપોરે 3થી સાંજના 7.30 કલાક સુધીમાં 60થી 70 ફાયરિંગ કરવામાં આવે છે. ત્યારબાદ સાંજ પડી જતા બર્ડ હિટની સંભાવના ઘટી જાય છે.
સુરત એરપોર્ટ પર બર્ડ સ્કેર કેનન ગન્સ 6 મહિના પહેલાંથી લગાવવામાં આવી છે. મે 2017થી અત્યાર સુધીમાં ફ્લાઈટની સંખ્યામાં વધારો થયો છે. જેથી એરપોર્ટ તંત્ર બર્ડ હિટથી વિમાનોને ખતરાને લઈને ચિંતિત રહે છે. આ સમસ્યાના સમાધાન માટે બર્ડ સ્કેર કેનન ગન્સનો ઉપયોગ કરવામાં આવે છે. રનવેની બંને તરફ પાંચ બર્ડ સ્કેર કેનન ગન્સ લગાવવામાં આવી છે. સાથે જ વાઈબ્રેટરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુરત એરપોર્ટ તંત્રએ બર્ડ હિટના ખતરાને લઈને એગ્રીકલ્ચર યુનિવર્સિટી પાસે મદદ માંગી હતી. જેનો ઉદ્દેશ્ય એ હતો કે, પ્રોફેસરોની મદદથી એરપોર્ટમાં વધેલી ધાસ અટકાવવી અને તેમાં રહેતી જીવાતને મારવાનો હતો. જોકે, આ બાબતે વધુ કામગીરી થઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.