રાજસ્થાનની પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીત, કૃષિ કાયદા લોકોને પસંદ હોવાનો દાવો

– દિલ્હીમાં ખેડૂતોના આંદોલન વચ્ચે

– પંચાયત સમિતીની ૪૩૭૧ બેઠકોમાંથી ભાજપને ૧૯૮૯, કોંગ્રેસને ૧૮૫૨ અને ડાબેરીઓને ૨૬ પર જીત 

રાજસ્થાનમાં યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડયો છે જ્યારે ભાજપે ઘણી પંચાયતો પર જીત મેળવી લીધી છે. જેને પગલે હવે ભાજપે દાવો કર્યો છે કે ખેડૂતોના કાયદાઓમાં જે સુધારા કર્યા તે મતદારોને પસંદ આવ્યા હોવાથી અમારી જીત થઇ છે. જ્યારે કોંગ્રેસે આ દાવાને ફગાવ્યા હતા.

૪૩૭૧ પંચાયત સમિતી બેઠકોમાંથી ભાજપે ૧૯૮૯ પર કબજો મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસને ૧૮૫૨ પંચાયત સમિતી સીટ પર જીત મળી છે. સ્થાનિક પંચાયતની ચૂંટણીના ચારેય તબક્કાના બધા જ પરીણામો જાહેર થઇ ગયા છે. સીપીઆઇ(એમ)એ પણ ૨૬ બેઠકો પર જીત મેળવી છે. આરએલપીને પણ છ બેઠકો મળી છે. બસપાએ પાંચ જ્યારે અપક્ષ ઉમેદવારોએ ૪૩૯ પંચાયત સમિતી સીટ પર કબજો કર્યો છે.

જ્યારે દરેક જિલ્લા પરિષદ સ્તરે ભાજપે ૬૩૫માંથી ૩૫૩ પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે પણ ૨૫૨ પર કબજો કરી લીધો છે. રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓમાંથી ૨૧ પર ચૂંટણી યોજાઇ હતી. જેમાં માત્ર એકનું જ પરીણામ જાહેર કરવાનું બાકી છે. ભાજપના ઉમેદવારો હવે ૧૩ જિલ્લા પંચાયતોમાં બહુમતમાં છે. જ્યારે આરએલપીની મદદથી વધુ એક પર જીત મેળવવાની તૈયારીમાં છે. કોંગ્રેસને બાકીની પાંચ જિલ્લા પંચાયતો પર જીત મળી હતી.  કેન્દ્ર સરકાર હાલ ખેડૂતોના કૃષિ કાયદા વિરોધી આંદોલનને પગલે ભીસમાં છે. એવી સ્થિતિમાં રાજસ્થાનના પંચાયતની ચૂંટણીના પરિણામોમાં જીત મળતા ભાજપે દાવો કર્યો છે કે લોકોને કૃષિ કાયદામાં કરાયેલા સુધારા પસંદ આવ્યા હોવાથી આ પરીણામ મળ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.