‘હું રાષ્ટ્રપતિ બન્યો ત્યાર બાદ કોંગ્રેસ દિશાવિહીન થઇ ગયો’, સદ્ગત પ્રણવ મુખરજીએ પોતાની આત્મકથામાં લખ્યું

સદ્ગત રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પોતાની આત્મકથામાં લખ્યા મુજબ ‘હું રાષ્ટ્રપતિ બન્યો ત્યારબાદ કોંગ્રેસ દિશાવિહીન પક્ષ બની ગયો. કેટલાક નેતાઓ માનતા હતા કે હું 2004માં વડા પ્રધાન બન્યો હોત તો 2014માં કોંગ્રેસ પક્ષને આટલો બધો ભૂંડો પરાજય ન મળ્યો હોત.’

પોતાના નિધન પહેલાં મુખરજીએ ‘ધ પ્રેસિડેન્શ્યલ યર્સ’ મથાળા હેઠળ પોતાની આત્મકથા લખી નાખી હતી. રૂપા પ્રકાશન દ્વારા પ્રકાશિત આ પુસ્તક જાન્યુઆરીમાં ઉપલબ્ધ થશે.  ચાલુ વર્ષમાં પહેલાં કોરોનાગ્રસ્ત થયા બાદ સર્જાયેલી કેટલીક જટિલ પરિસ્થિતિના પગલે જુલાઇની 31મીએ પ્રણવ મુખરજીનું નિધન થયું હતું.

અત્યારે કોંગ્રેસ પક્ષ પોતાની આગવી ગરીમા ગુમાવી રહ્યો છે ત્યારે પ્રણવદાનું આ પુસ્તક આવી રહ્યું છે જેમાં કોંગ્રેસ પક્ષ વિશે કેટલીક કડવી વાતો પ્રગટ થઇ હતી. પ્રણવદા લખે છે કે કોંગ્રેસ પક્ષના ઘણા નેતાઓ એમ માનતા હતા કે 2004માં હું વડા પ્રધાન બન્યો હોત તો 2014માં કોંગ્રેસને સંસદીય ચૂંટણીમાં જે વરવો પરાજય મળ્યો એ ન મળ્યો હોત. જો કે મને આ અભિપ્રાયથી કશો ફરક પડતો નથી. મને એમ લાગે છે કે હું રાષ્ટ્રપતિ બન્યો ત્યારબાદ કોંગ્રેસ પક્ષ દિશાદોર ચૂકી ગયો હતો. સોનિયા ગાંધી સબળ નેતૃત્વ આપવા સક્ષણ નહોતા તો મનમોહન સિંઘની સંસદમાં લાંબા સમયની ગેરહાજરીના પગલે સાંસદોનો કોઇની સાથે વ્યક્તિગત સંપર્ક રહ્યો નહીં.

તેમણે એવી પણ ટકોર કરી છે કે કોઇ પણ વડા પ્રધાન દેશનું સુકાન કાર્યક્ષમ રીતે સંભાળી શકે. પરંતુ મનમોહન સિંઘ યુપીએના ગઠબંધનને સાચવવામાં વ્યસ્ત રહ્યા એટલે વહીવટ પર પૂરતું ધ્યાન આપી શક્યા નહીં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.