ચલો દિલ્હી ખેડૂતોનું એલાન : આજે દિલ્હી-જયપુર હાઈવે પર ચક્કાજામ, કાલે ભૂખ હડતાળ

– આંદોલનના 17 દિવસમાં 15 ખેડૂતોના મોતથી કેન્દ્ર ભીંસમાં

– હરિયાણા અને પંજાબમાં અનેક ટોલનાકાઓ પર ખેડૂતોનો કબજો, અલિગઢમાં ટોલ નાકા ફ્રી કરાવવા જતા ખેડૂતોની અટકાયત કરાઈ

1,300 ટ્રેક્ટર ટ્રોલી સહિત 1,500 જેટલા વાહનોમાં હજારો ખેડૂતો સિંધુ બોર્ડર પહોંચશે

ખેડૂતો અને સરકાર વચ્ચે મડાગાંઠ આગામી 48 કલાકમાં ઉકેલ આવી શકશે : ચૌટાલા

નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ખેડૂતોએ શનિવારે જાહેરાત કરી છે. કૃષિ કાયદામાં સુધારા ખેડૂતોના હિતો માટે જ હોવાની વડાપ્રધાનની ખાતરી અને વાટાઘાટોની વડાપ્રધાનની વિનંતી ફગાવીને ખેડૂતોએ સોમવારથી ભૂખ હડતાળ અને ચલો દિલ્હીનું એલાન કર્યું છે.

બીજીબાજુ ખેડૂતોના આંદોલનને શનિવારે 17 દિવસ પૂરા થયા છે ત્યારે આંદોલન દરમિયાન 15 ખેડૂતોના મોતથી કેન્દ્ર સરકાર ભીંસમાં આવી ગઈ છે. દરમિયાન હરિયાણામાં ભાજપના સાથી પક્ષ જેજેપીના વડા દુષ્યંત ચૌટાલાએ સંરક્ષણ મંત્રી રાજનાથ, રેલવે મંત્રી પીયુષ ગોયલ અને કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે મુલાકાત કરીને દાવો કર્યો છે કે ખેડૂતો અને સરકાર વચ્ચે ટૂંક સમયમાં વાટાઘાટો થશે અને આગામી 48 કલાકમાં ઉકેલ આવી શકશે.

નવા કૃષિ કાયદા પરત નહીં ખેંચાય તો શનિવારે દિલ્હી જતા હાઈવે પર ટ્રાફિક જામ કરવાના અને દેશના ટોલ નાકાઓને ફ્રી કરવાના ખેડૂતોના એલાનના પગલે ખેડૂતોએ આજે દિલ્હી-જયપુર અને દિલ્હી-આગરા હાઈવે બ્લોક કર્યા હતા તેમજ અનેક ટોલ પ્લાઝાઓ પર કબજો કરી લીધો હતો. ખેડૂતોએ હવે 14મી ડિસેમ્બરને સોમવારથી ભૂખ હડતાળ અને ચલો દિલ્હીનું એલાન કર્યું છે.

કિસાન યુનિયનના નેતાઓએ જણાવ્યું કે અમે આંદોલનને વધુ ઉગ્ર બનાવવાનો નિર્ણય કર્યો છે. રાજસૃથાનના શાહજહાંપુરના ખેડૂતો રવિવારે સવારે 11 વાગ્યાથી જયપુર-દિલ્હી હાઈવે રમારફત ‘ચલો દિલ્હી’ માર્ચ શરૂ કરશે. અમે અન્ય હાઈવે પણ બ્લોક કરીશું. ખેડૂતોનું આંદોલન ઉગ્ર થતાં દિલ્હી સરહદે સલામતી વધારવામાં આવી છે.

ખેડૂત નેતા કમલપ્રિત સિંહ પન્નુએ કહ્યું કે બધા જ ખેડૂત સંગઠનોના પ્રતિનિિધ અને અધ્યક્ષ મંચ પર સોમવારે ભૂખ હડતાળ પર બેસશે. અમે અમારી માતાઓ અને બહેનોને પણ આ આંદોલનમાં જોડાવા અપીલ કરીએ છીએ. રવિવારે 11 વાગ્યે જયપુર-દિલ્હી હાઈવે બ્લોક કરવા માટે હજારો ખેડૂતો ટ્રેક્ટર માર્ચ કરશે.

પન્નુએ કહ્યું કે, અમારા આંદોલનને નિષ્ફળ બનાવવા માટેના કેન્દ્રના પ્રયાસોને અમે સફળ નહીં થવા દઈએ. અમને વિભાજિત કરવા અને આંદોલનને ઉશ્કેરવા માટે સરકારે અનેક પ્રયાસ કર્યા, પરંતુ અમે શાંતિપૂર્ણ રીતે આંદોલન જીતીશું. જોકે, સરકાર ફરીથી અમારી સાથે વાટાઘાટો કરવા તૈયાર હોય તો અમે પણ વાટાઘાટો કરીશું, પરંતુ અમે સૌથી પહેલાં નવા કૃષિ કાયદા પાછા ખેંચવા અંગે વાતચીત કરીશું.

વધુમાં પંજાબના સાત જિલ્લાના 1,000 ગામડાઓમાંથી 1,300 ટ્રેક્ટર ટ્રોલી સહિત 1,500 જેટલા વાહનોમાં હજારો ખેડૂતો દિલ્હી સરહદે સિંધુ બોર્ડર પહોંચશે તેમ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ (કેએમએસસી)એ જણાવ્યું હતું.

બીજીબાજુ દિલ્હી બુરાડી નિરંકારી ગ્રાઉન્ડથી અખિલ ભારતીય મહાસભાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રેમસિંહ ગેહલાવતે જણાવ્યું કે જયપુરથી આવેલા સંગઠન પલવલ અને જયપુર માર્ગ બંધ કરશે. ખેડૂતો અંબાણી અને અદાણીના મોલ સામે પણ ધરણાં કરશે.

બધા જ કેડૂતોએ જિઓ સિમ અને જિઓ ફોનનો બહિષ્કાર કર્યો છે. તેમણે કહ્યું કે ખેડૂતો હરિયાણાના ટોલ નાકા ફ્રી કરાવશે. ખેડૂતોના ઉગ્ર વિરોધ પ્રદર્શનને જોતાં ઉત્તર પ્રદેશમાં ટોલ પ્લાઝાની સલામતી વધારી દેવાઈ છે. એટલું જ નહીં સિંધુ બોર્ડર પર પણ સલામતી વ્યવસૃથા આકરી કરી દેવાઈ છે.

ઉત્તર પ્રદેશના કાયદો-વ્યવસૃથાના એડીજીએ કહ્યું કે હજી સુધી ખેડૂત આંદોલન શાંતિપૂર્ણ રહ્યું છે, પરંતુ અસામાજિક તત્વો અવ્યવસૃથા ન ફેલવા તેના માટે આકરી નજર રાખવામાં આવી રહી છે. અલીગઢમાં હાઈવે પર ટોલ નાકા ફ્રી કરાવવા જતાં અનેક ખેડૂતોની અટકાયત કરાઈ હતી.

હરિયાણામાં ખેડૂતોએ અનેક ટોલ નાકા ફ્રી કરાવ્યા હતા જ્યારે પંજાબમાં 1લી ઓક્ટોબરથી જ અનેક ટોલ નાકાઓ પર કબજો જમાવી ખેડૂતોએ તેને ફ્રી કરાવ્યા છે. બીજીબાજુ ખેડૂતોના આંદોલનને 17 દિવસ પૂરા થઈ રહ્યા છે. આ બે સપ્તાહના સમય દરમિયાન કુલ 15 ખેડૂતોનાં મોત થયાં છે, જેમાં એક ખેડૂતનું ઠંડીના કારણે, ચારના અકસ્માતમાં અને 10 ખેડૂતોનાં હૃદય રોગનાં હુમલાથી મોત થયા છે.

મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ આંદોલનમાં 15 ખેડૂતોનાં મોતથી કેન્દ્ર સરકાર ભીંસમાં આવી ગઈ છે. દરમિયાન હરિયાણામાં ભાજપના સાથી પક્ષ જનનાયક જનતા પાર્ટીના અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ ખેડૂત આંદોલન પૂરૂં કરવાની દિશામાં યોગ્ય પગલાં લેવાની માગણી કરી છે.

આ સાથે તેમણે શનિવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રેલવે મંત્રી પિયુષ ગોયલ અને કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે મુલાકાત કરી હતી. ત્રણેય મંત્રીઓ સાથે મુલાકાત પછી તેમણે કહ્યું હતું કે, તેમને આશા છે કે ખેડૂતો સાથેના વિવાદનો આગામી બે દિવસમાં ઉકેલ આવી જશે. ખેડૂતો અને સરકાર વચ્ચે ટૂંક સમયમાં વાટાઘાટો થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.