ગોવા જિલ્લા પંચાયતમાં ભાજપની બોલબાલા, 49માંથી 32 બેઠકો પર ઝળહળતો વિજય મેળવ્યો

– અગાઉ હૈદરાબાદ અને રાજસ્થાનમાં જીત મેળવી હતી

હૈદરાબાદ અને રાજસ્થાન પછી હવે ભાજપે ગોવા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવ્યો હતો. ગોવા જિલ્લા પંચાયતની 49માંથી 32 બેઠકો ભાજપે જીતી લીધી હતી. કોંગ્રેસને રોકડી ચાર બેઠક મળી હતી.

ગોવાની કુલ 48 જિલ્લા પંચાયતોની પચાસ બેઠકો હતી. એમાં એક બેઠકના ઉમેદવારનું મરણ થતાં 49 બેઠકોની ચૂંટણી થઇ હતી. 12મી ડિસેંબરે અહીં મતદાન થયું હતું અને સેામવારે 14 ડિસેંબરે મતગણતરી થતાં પરિણામો જાહેર કરાયાં હતાં.

49માંથી 32 બેઠકો ભાજપે જીતી લીધી હતી, સાત બેઠકો અપક્ષોને મળી હતી, ચાર બેઠક કોંગ્રેસને ફાળે ગઇ હતી અને ત્રણ બેઠકો એમજીપીને મળી હતી. રાકાંપા અને આપ બંનેને એક એક બેઠક મળી હતી. છેલ્લા થોડા સમયથી આપના અરવિંદ કેજરીવાલ દરેક રાજ્યમાં પોતાનો પગપેસારો કરવાના પ્રયાસો કરી રહ્યા હતા. પરંતુ ગોવામાં ખૂબ પ્રયાસો પછી આપને પહેલીવાર એક બેઠક મળી હતી.

2022માં થનારી કેટલીક વિધાનસભાઓની ચૂંટણીમાં વિજેતા થવાની મુરાદ સાથે અરવિંદ કેજરીવાલ દરેક રાજ્યમાં પગપેસારો કરવાના પ્રયાસ કરી રહ્યા હતા.

ગોવાની વિધાનસભામાં 40 બેઠકો છે. હાલના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે ભાજપને મળેલા વિજય બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. ગોવા ભાજપના અધ્યક્ષ સદાનંદ સેટ તાનવડેએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પરિણામો 2022ની વિધાનસભા ચૂંટણીના રિહર્સલ જેવાં ગણાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.