રાંધણગેસના ભાવમાં રૂા.૧૦૦નો જંગી વધારો કરાતા ભારે કચવાટ

 

– ભાજપ વિરોધી મતદાન કરવાનો સમય પાકી ગયો છે : સીપીએમ

– પેટ્રોલ-ડિઝલ સહિત જીવન જરૂરી વસ્તુના ભાવ વધી જતા લોકોમાં ભભુકતો રો

ભાજપ સરકારના રાજમાં રાંધણગેસ, પેટ્રોલ-ડિઝલ સહિત જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી જતા લોકો કચવાટ કરી રહ્યાં છે. ભાવ વધારાના પ્રશ્ને સીપીએમએ ભાજપ સરકારની ઝાટકણી કાઢી વિરોધ નોંધાવ્યો છે.

ભાવ વધારા બાબતેની કેન્દ્ર સરકારની નીતિને કારણે તમામ પ્રકારના રાક્ષસી ભાવ વધારા થઇ રહ્યાં છે. લોકડાઉન પછીની પરિસ્થિતિમાં જનતાની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ જતા જનતાની કમર ભાંગી ગઇ છે.

રાંધણગેસમાં છેલ્લા ૧૫ દિવસમાં જ રૂા.૧૦૦નો જંગી વધારો ઝીંકી દેવાયો છે અને સબસીડી વગર રૂા.૭૦૦ એ પહોંચી ગયો છે. જ્યારે પેટ્રોલ-ડિઝલમાં કેન્દ્ર સરકારે ૧૬ વખત એક્સાઇઝ ડયુટીમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે એક લીટરે પેટ્રોલ-ડિઝલ ઉપર રૂા.૩૨.૯૮ પૈસા અને ડીઝલ ઉપર રૂા.૩૧.૮૩ પૈસા એકસાઇઝ ડયુટી વસુલે છે અને તેટલો જ ટેક્સ રાજ્ય સરકારો ઉઘરાવેલ છે. સરકારને તો વિશ્વ બજારના ભાવોને કારણે માત્ર રૂા.૨૬ એક લીટરે મળે છે. ૨૦૧૪માં એક લીટરે કેન્દ્ર સરકાર એક લીટરે પેટ્રોલ ઉપર માત્ર રૂા.૯.૪૭ પૈસા અને ડીઝલ ઉપર માત્ર રૂા.૩.૫૫ પૈસા એક્સાઇઝ ડયુટી ઉઘરાવતી હતી. આમ વિશ્વ બજારમાં ભાવો ૨૦૧૪ કરતા ઓછા હોવા છતાં પેટ્રોલ-ડિઝલના ભાવો લીટરે ૯૦ આંબી ગયા છે.

જ્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવો પણ આસમાને આંબી ગયા છે. શીંગતેલ કીલોના ૧૫૦, કપાસીયા તેલ કિલોના ૧૨૦, જ્યારે અનાજ, કઠોળ, ચોખા અને ખાંડના ભાવોમાં પણ ૩૦ થી ૪૦ ટકાનો વધારો થયો છે. ખેડૂતોને તો આ ભાવ વધારાનો કોઇ જ લાભ મળેલ નથી. ખેડૂત પણ લૂંટાય છે અને જનતા પણ લૂંટાઇ રહી છે. સરકાર ગુંગી અને બહેરી બની ગઇ છે અને તેથી જનતાએ હવે આવનારા દિવસોમાં ભાજપ વિરોધી મતદાન કરવાનો સમય પાકી ગયો છે તેમ સી.પી.એમ. દ્વારા જણાવેલ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.