ટયુશન ફીમાં માફી 20 ટકાને બદલે 12 ટકાઃ કૉલેજોની એફીલીએશન ફી સંપુર્ણ માફ

વિદ્યાર્થી સંગઠનો અને કોલેજ સંચાલકોના વિરોધને બેલેન્સ રાખવા બહુમતીના જોરે લેવાયેલા નિર્ણયથી યુનિ.ને વર્ષે મોટો આર્થિક ફટકો પડશે

નર્મદ યુનિવર્સિટીની સિન્ડીકેટ બેઠકમાં નિર્ણય

કોલેજોની ફી ઘટાડાને લઇને આજે મળેલી સિન્ડીકેટની બેઠકમાં વિદ્યાર્થી એફીલેશન ફીમાં સંપૂર્ણ માફી અને ટયુશન ફીમાં ઘટાડો ઓછો કરીને યુનિવર્સિટીની વર્ષે દહાડે થતી કરોડોની આવકને ફટકો મારીને ફી નું કોકડુ ઉકેલવાનો પ્રયાસ કરાયો છે. જો કે બે સભ્યોએ ભારે વિરોધ કર્યો હતો કે યુનિવર્સિટીના ઇતિહાસમાં આટલી મોટી આવકનું નુકસાન કયારે થયુ નથી. આ વિરોધ છતા બહુમતિના જોરે ફી મંજુર કરાઇ હતી.

વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા ફીમાં ઘટાડો કરાયા બાદ અધ્યાપક સંધ દ્વારા ફી ઘટાડાનો વિરોધ કરતા આજે ફીને લઇને ખાસ સિન્ડીકેટ બોલાવાઇ હતી. આ બેઠક અપેક્ષા મુજબ જ ફીને લઇને બે કલાક સુધી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બેઠકમાં ફી ઘટાડાને લઇને સેલ્ફફાઇનાન્સ કોલેજના સંચાલકોને પણ નુકસાન નહીં થાય અને વિદ્યાર્થી સંગઠનો પણ વિરોધ કરતા બંધ થાય એ રીતે બેલેન્સ રાખીને ફી ઘટાડાની દરખાસ્ત મુકાઇ હતી. જેમાં અગાઉ જે એફીલેશનની ફી ૫૦ ટકા માફી હતી. તે સંપૂર્ણ માફ કરી દેવાની અને ટયુશનફીમાં જે 20 ટકા કાપ મુક્યો હતો. તે કાપ ઘટાડીને 12 ટકા કરી દેવાની દરખાસ્ત હતી.

 

આ દરખાસ્તને લઇને સિન્ડીકેટ સભ્ય વી.ડી.નાયકે ભારે વિરોધ કર્યો હતો કે પહેલા તો રાજયની અન્ય યુનિવર્સિટી પાસે ફી ઘટાડાનો ઠરાવ મંગાવો પછી નિર્ણય કરો. ફી અંગે સરકાર વિચારશે. અને સરકારને નક્કી કરવા દો. ખાસ તો આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને ખાસ ફીમાં રાહત આપો. આ રીતે એફીલેશન ફીમાં 100 ટકા માફી આપવાથી સરવાળે નુકસાન તો યુનિવર્સિટીને જ જવાનું છે. આથી હાલ ફીની બાબત રીફરબેક કરવી જોઇએ. જયારે અન્ય સિન્ડીકેટ સભ્યએ પણ વિરોધ કર્યો હતો કે એકબાજુ સરકાર કોરોનામાં કરકસરની વાતો કરે છે. અને આ રીતે યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત કરોડો રૃપિયાની આવકને ફટકો મારતા સરવાળે વિદ્યાર્થીઓનું જ નુકસાન જવાનુ છે. કેમકે આ રૃપિયા વિદ્યાર્થીઓના હિતમાં જ વપરાશે. આ બન્ને સભ્યોનો વિરોધ એફીલેશન ફીમાં 100 ટકા માફી અને ટયુશન ફીમાં 12 ટકા ઘટાડો સર્વાનુંમતે મંજુર કરવાના બદલે સિન્ડીકેટ સભ્યોની બહુમતિ થી મંજુર કરાયો હતો. અને વી.ડી.નાયક વોકઆઉટ કરી ગયા હતા. આમ ફીનું કોકડુ ઉકેલવા જતા નવા વિવાદ થાય તો નવાઇ નહીં ?

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.