ગાંઘીનગર:ગુજરાતમાં છ વિધાનસભા બેઠક પર આગામી 21 ઓક્ટોબરના રોજ પેટા ચૂંટણી યોજાશે અને આ પેટા ચૂંટણીને લઇને ભાજપ કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે પક્ષ પલટાનો દોર પણ શરૂ થઇ ગયો છે. કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તો ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જઈ રહ્યા છે. ત્યારે થરાડમાં જનસભા દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે, હજુ પણ કોંગ્રેસના ઘણા ધારાસભ્યો ભાજપના આવવા માટે તૈયાર છે પણ અમે સમયની રાહ જોઈ રહ્યા છીએ.
પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભાંગી ગઈ છે, કોંગ્રેસ નેતૃત્વ વિહોણી થઇ ગઈ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પણ પોતાનું વહાણ મૂકીને કુદી પડતા હોય તો રાજ્યમાં તો કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી તૂટી છે. કાર્યકર્તાઓ નથી રહ્યા, સમાજમાંથી ફેંકાઈ ગઈ છે. જેમને સમાજમાં કઈ કામ કરવું છે, તે ભારતીય જનતા પાર્ટીમાં આવી રહ્યા છે. ઘણા ધારાસભ્યોએ અમને કહેણ મોકલાવ્યા છે, પણ રાહ જોઈએ છીએ અને સારા સમયે જે નિર્ણય કરવા પડે તે કરીશું પણ જનતા જનાર્દનના મગજમાંથી ફેંકાઈ ગયેલી કોંગ્રેસના આગેવાનો પણ તેમાંથી નીકળી રહ્યા છે.
રાધનપુર અને બાયડ બેઠક બાબતે તેમને જણાવ્યું હતું કે, વિધાનસભાની પેટા ચૂંટણી સંસદની સાથે થઇ. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ચૂંટણી લડ્યા અને જીત્યા. ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી કમળ સર્વોપરી છે, કમળ મહાન છે અને લોકો કમળને મત આપતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.