છેલ્લાં 6 વર્ષ દરમિયાન મોદી સરકારે, પોતાનો દરેક નિર્ણય દેશના ગરીબો, ખેડૂતો અને વંચિતોને કેન્દ્રમાં રાખીને લીધો છે : અમિત શાહ

અમિત શાહે કહ્યું હતું કે, છેલ્લાં 6 વર્ષ દરમિયાન મોદી સરકારે પોતાનો દરેક નિર્ણય દેશના ગરીબો, ખેડૂતો અને વંચિતોને કેન્દ્રમાં રાખીને લીધો છે, જેથી તેમને તેમનો અધિકાર મળે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે. PM કિસાન પણ આવી જ એક અભૂતપૂર્વ યોજના છે, જેના થકી મોદી દર વર્ષે દરેક ખેડૂતનાં ખાતામાં રૂ. 6000 જમા કરે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 9 કરોડ ખેડૂતોના ખાતામાં રૂ. 18,000 કરોડ હસ્તાંતરિત કરવા માટે PM નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યાં છે. ખેડૂતોના સશક્તિકરણ પ્રત્યે મોદીના આ સમર્પણ અને સંકલ્પ માટે હું એમને અભિનંદન આપું છું.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે માનનીય PMજીએ કિસાન સમ્માન નિધિ યોજના રજૂ કરી હતી, ત્યારે વિપક્ષના લગભગ તમામ નેતાઓએ એનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે, ખેડૂતોનું ઋણ માફ કરો. અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારે દેશમાં 10 વર્ષ સુધી યુપીએ સરકાર હતી, ત્યારે તેમણે 10 વર્ષમાં ફક્ત એક વાર અને એ પણ ફક્ત 60,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું. બીજી તરફ PM નરેન્દ્ર મોદીએ અઢી વર્ષના સમયગાળામાં જ દેશના લગભગ 10 કરોડ ખેડૂતોને અત્યાર સુધી 95,000 કરોડ રૂપિયા સીધા એમના બેંક ખાતામાં હસ્તાંતરિત કરી દીધા છે.

આ ઉપરાંત મોદી સરકારે સૉઇલ હેલ્થ કાર્ડ, નીમ કોટેડ યુરિયા જેવી ઘણી પહેલો હાથ ધરી છે, જેનો લાભ દેશના ખેડૂતોને મળ્યો છે. લગભગ 1,000 મંડીઓને ઓનલાઇન જોડવામાં આવી છે અને એના થકી દેશભરમાં ખેડૂતોને સૌથી વધુ ભાવ મળ્યાં છે. PM પાક વીમા યોજનાનો લાભ દેશના સાડા છ કરોડથી વધારે ખેડૂતોને મળ્યો છે. લગભગ 10,000 ખેડૂત ઉત્પાદક સંઘ બનાવવામાં આવ્યાં છે અને આ માટે 7,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મધના ઉત્પાદન માટે વધુ 500 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. PM સિંચાઈ યોજનાના માધ્યમથી 55 લાખ હેક્ટર જમીનને સૂક્ષ્મ સિંચાઈ યોજનાથી સિંચિત કરવાનું કામ થયું છે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, અત્યારે દેશભરમાં ખેડૂત કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને ફોન કરીને એમને મળવા ઇચ્છે છે અને આ કૃષિલક્ષી સુધારા સાથે સંબંધિત કાયદાઓને એમનું સમર્થન આપવા ઇચ્છે છે. કૃષિલક્ષી સુધારા સાથે સંબંધિત ત્રણ કાયદાને તેઓ ટેકો આપવા ઇચ્છે છે, કારણ કે તેઓ જાણે છે કે, આ સુધારા અને કાયદા ખેડૂતોના હિતમાં છે. વિપક્ષની વાત છોડો, એમને તો રાજકીય લાભ ખાટવો છે, પણ જો ખેડૂત સંગઠનોને લાગે કે આ કૃષિલક્ષી સુધારા સાથે સંબંધિત કાયદાની એક પણ જોગવાઈ ખેડૂતોનું અહિત કરશે તો સરકાર એ જોગવાઈ પર ખુલ્લાં મને ખેડૂત સંગઠનો સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.