સુરત: એચઆઈવી પોઝીટીવ મેરેજ બ્યુરોમાં અત્યાર સુધીમાં થયાં 272 મેરેજ

– સુરતનો એક એવો મેરેજ બ્યુરો જે કરે છે ચેપ અટકાવવાનું કામ

– HIVના કારણે માતા પિતાની છત્રછાયા ગુમાવી જનની પોઝીટીવ થયેલી અને જનની ધામમાં રહેતી ત્રણ યુવતીઓએ પ્રભુતામાં પગલા પાડયા

હાલ સુરતમાં કોરોનાનો ચેપ અટકાવવા માટે સરકારી અને ખાનગી સંસ્થાઓ ભારે જહેમત ઉઠાવી રહી છે. જેની કોઈ દવા નથી અને અસાધ્ય છે તેવા તેવા એચઆઈવીને સમાજમા ફેલાતો અટકાવવા માટે જીએસએનપપી પ્લસ સંસ્થા કામગીરી કરી રહી છે. આ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલો મેરેજ બ્યુરો સમાજમાં એચઆઈવી ફેલાતો અટકાવી પોતાની કોમ્યુનીટીમાં જ મેરેજ કરાવવાનું કામ કરી રહી છે. એચઆઈવીના કારણે માતા-પિતાનું છત્ર છાયા ગુમાવી દઈ કામરેજના આંબોલી જનની ધામમાં રહેતી ચાર યુવતીઓએ કાલે પ્રભુતામાં પગલા પાડયા હતા. સંસ્થા તથા કેટલીક સામાજિક સંસ્થાઓએ મા-બાપની જવાબદારી નિભાવી હતી.

સુરતના કામરેજ ખાતેના આંબોલીમાં એચ.આઈ.વીનો ભોગ બની ચુકેલી બાળકીઓ રહે છે. સમાજથી એકલી પડેલી આ યુવતીઓ માટે જનની ધામ આંબોલી તથા જીએસએનપી પ્લસ ( ગુજરાત સ્ટેટ નેટવર્ક એફ પીપલ લિવીંગ વિથ એચઆઈવી પોઝીટીવ ગ્રુપ) માવતરની જવાબદારી ઉપાડી રહી છે. સમાજમાં એચ.આઈ.વી.નો ચેપ અટકાવવા આ સંસ્થા થકી લોકો આગળ આવીને પોતાની ઓળખ કરી રહ્યાં છે. આવા લોકો નવ જીવન શરૂ કરી શકે અને પ્રભુતામાં પગલાં પાડી શકે તે માટે સંસ્થા દ્વારા 2007માં મેરેજ બ્યુરોની સ્થાપના કરી હતી.

સંસ્થાના અગ્રણી દક્ષા પટેલ કહે છે, અત્યાર સુધીમાં આ મેરેજ બ્યુરોમાં 268 લગ્ન થયાં છે અને કાલે વધુ 4 દિકરીઓ જે જનની ધામમાં રહેતી હતી તેના લગ્ન થતાં આ સંખ્યા 272 ઉપર પહોંચી ગઈ છે. મેરેજ બ્યુરો અંગેની માહિતી આપતાં દક્ષા પટેલ કહે છે, સમાજમાં એચઆઈવી લોકોની સંખ્યા નિયંત્રિત થાય તે માટે સંગઠન બનાવવા સાથે મેરેજ બ્યુરો શરૂ કરાયો છે જેના કારણે એચઆઈવી પોઝીટીવ પાત્રો લગ્ન જીવન શરૂ કરી શકે છે. અમારા આવા પ્રયાસના કારણે સમાજમાં ઓળખ છુપાવી એચઆઈવી પાત્ર સાથે થતાં લગ્ન અટકી રહ્યાં છે અને તેના કારણે ચેપ પણ ફેલાતો અટકી રહ્યો છે. આંબોલીના જનની ધામ ખાતે એચઆઈવીના કારણે માતા પિતાની છત્ર છાયા ગુમાવેલી બાળકીઓને રાખવામાં આવે છે. તેઓને અભ્યાસ ઉપરાંત વિવિધ તાલિમ આપવામાં આવે છે. અહીની 4 યુવતીઓ ઉંમર લાયક થતાં તેમના માટે પાત્ર શોધીને લગ્નની જવાબદારી માટે જનની ધામ, જીએનએનપી પ્લસ તથા અન્ય સામાજિક સંસ્થાઓએ નિભાવી છે.

એચઆઈવી પોઝીટીવ પાત્ર શરૂ કરે છે નવી જિંદગી

એચઆઈવીનો ચેપ સમાજમાં ફેલાતો અટકે અને એચઆઈવી પોઝીટીવ લોકો એક નવી જિંદગી શરૂ કરી શકે તે હેતુથી સુરતમાં જીએસએનપી પ્લસ દ્વારા મેરેજ બ્યુરો શરૂ કરવામા આવ્યો છે. સમાજમાં ઘણાં લોકો એચઆઈવી પોઝીટીવ હોય પણ પોતાની ઓળખ છુપાવીને લગ્ન કરી લેતા હોય છે ત્યારે નોર્મલ વ્યક્તિને પણ એચઆઈવીનો ચેપ લાગે છે અને સમાજમાં સતત સંક્રમણ વધતું રહે છે. સુરતમાં મેરેજ બ્યુરો શરૂ થયો છે તેના કારણે લોકો પોતાની ઓળખ એચઆઈવી પોઝીટીવ તરીકે જાહેર કરીને લગ્ન ગ્રંથીથી જોડાઈ પણ રહ્યાં છે તેઓને નવી જીંદગી મળે છે અને સંક્રમણ પણ ઘટી રહ્યું છે.

સંસ્થાઓએ કરિયાવરની જવાબદારી નિભાવી

સુરતના જનની ધામમાં એચઆઈવીના કારણે માતા પિતાનું છત્ર ગુમાવી ચુકેલી અને ખુદ એચઆઈવીનો ચેપગ્રસ્ત બનેલી બાળકીઓને રાખવામાં આવી રહી છે. જનની ધામ તથા જીએસએનપી પ્લસ દ્વારા શરૂ કરવામાં આવેલી આ કામગીરીના કારણે સમાજની તરછોડાયેલી બાળકીઓને સહારો મળ્યો છે. તેમના લગ્ન થઈ રહ્યાં છે ત્યારે કેટલીક સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. જુદી- જુદી સંસ્થાઓ દ્વારા કરિયાવર આપવામાં આવ્યો હતો. આવી જ એક સંસ્થાના મોના ભાઈદાસવાલા કહે છે, અમે દિકરીઓને કન્યાદાન આપવા સાથે સાથે બ્યુટી પાર્લરનો કોર્ષ પણ કરાવ્યો છે જેથી તેઓ પગભર થઈ શકે. અનેક સંસ્થાઓ આવી કામગીરી માટે આગળ આવે તો આવી દિકરીઓને મોટો સહારો મળી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.