સુરેન્દ્રનગર જિલ્લા માટે બુધવારનો દિવસ ભારે રહ્યો હતો. આ દિવસે જિલ્લામાં અકસ્માત ના અલગ અલગ ચાર બનાવો નોંધાયા છે, જેમાં બે જિંદગી હોમાઈ ગઈ છે. બુધવારે સાંજે થયેલા એક વિચિત્ર અકસ્માતમાં ટ્રેક્ટર ના બે ટુકડા થઈ ગયા છે!
અકસ્માત 1: આ અંગે વિગતે વાત કરીએ તો લખતર તાલુકાના છારદ-ઓળખ ગામ વચ્ચે પિતા અને પુત્ર ટ્રેક્ટર લઈને ખેતરથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રેક્ટરની ટક્કર એક ફોર વ્હીલર સાથે થઈ હતી. અસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા પિતા-પુત્રને પહેલા લખતર અને બાદમાં 108 મારફતે સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત 2: વઢવાણ કોઠારીયા રોડ પર એક્ટિવા ચાલકને ડમ્પરે અડફેટે લીધો હતો. આ બનાવમાં સ્કૂટર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે 108ની મદદથી હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી.
અકસ્માત 3: ધ્રાંગધ્રા માલવણ હાઇવે ઉપર ગુરુકુળ ધાંગધ્રા નજીક એક્ટિવા ચાલકને એક ટ્રાવેલ્સ ચાલકે અડફેટે લીધો હતો. જેમાં સ્કૂટર ચાલકનું બનાવ સ્થળે જ મોત થયું હતું. સ્કૂટર ચાલકનું ઘટના સ્થળે મોત થતા આસપાસના લોકોએ અમદાવાદ-કચ્છ હાઇવે બંધ કરી દીધો હતો. હાઇવે બ્લોક થતાં જ વાહન ચાલકોની લાંબી કતારો લાગી હતી.
અકસ્માત 4: ચોથા બનાવમાં લીંબડી-સુરેન્દ્રનગર હાઈવે દોડી રહેલા મેટાડોરનું ટાયર ફાટ્યું હતું. લીલું ઘાસ ભરેલું મેટાડોર પલટી જતાં ચાર લોકોને ઈજા પહોંચી હતી. મેટાડોરમાં બેઠેલા ચાર લોકોને 108 દ્વારા સારવાર અર્થે લીંબડી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા સમલા ગામના સરપંચ તેમજ અન્ય ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ લીંબડી વઢવાણ હાઈવે પરના ટ્રાફિક દૂર કરવાની પણ કામગીરી હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.