દેશની થીન્ક ટેન્ક સંસ્થા નીતિ આયોગ ઘણી વખત ઊંઘ ઉડાડી દે તેવા આશ્ચર્યજનક આંકડા જાહેર કરે છે જેમ કે હાલ રાજ્યોમાં રોકાણ અને નવીનીકરણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ અને ઇનોવેશનને લગતા આંકડા જાહેર થયા છે જેમાં દેશના વ્યાપાર અને ધંધા માટે આદર્શ ગુજરાત રાજ્યને અનુક્રમે 6ઠ્ઠો અને 9મો ક્રમ મળ્યો છે. આ નિરાશાજનક પ્રદર્શને રાજ્યમાં દર વર્ષે યોજાતા વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમના પરિણામો ઉપર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કર્યા છે.
દેશની થીન્ક ટેન્ક નીતિ આયોગ દ્વારા ગુરુવારે દેશમાં ઇનોવેશન ઇન્ડેક્સ 2019 જાહેર કરવામાં આવ્યો છે. આ યાદીમાં કર્ણાટક દેશમાં ધંધાકીય ક્ષેત્રે સૌથી ઇનોવેટિવ રાજ્ય તરીકે જાહેર થયું છે. બીજા ક્રમે તામિલનાડુ અને ત્રીજા ક્રમે મહારાષ્ટ્ર આવે છે. તળિયાના સ્થાને બિહાર, ઝારખંડ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. ગુજરાતનો આ યાદીમાં 9મો ક્રમ છે. જ્યારે રોકાણ મામલે વાત કરીએ તો દેશમાં છઠ્ઠા ક્રમે આવે છે.
આ ઇન્ડેક્સનો હેતુ રાજ્યમાં કેટલા પ્રમાણમાં નવીનીકરણ છે તેનો અને સરકાર તે માટે શું કરી રહી છે તેનો અભ્યાસ કરવાનો હતો. આ રિપોર્ટ દિલ્હીમાં નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમાર અને CEO અમિતાભ કાન્ત વડે જાહેર કરવામાં આવ્યો હતો
આ રિપોર્ટમાં દેશમાં ઇનોવેશનના ટ્રેડ અને તેનું ઊંડું વિશ્લેષણ કરીને તેના અહેવાલ વડે સરકારને નિર્ણય લેવામાં મદદરૂપ થાય તે ઉદ્દેશથી બનાવવામાં આવ્યો છે.
કેવી રીતે નક્કી કરવામાં આવ્યા ક્રમાંકો?
આ ઇન્ડેક્સ માટે મુખ્ય બે બાબતોને માપદંડ તરીકે રાખવામાં આવી હતી. 1. એવા પરિબળો જે રાજ્યોમાં ઇનોવેશન લાવે 2. પર્ફોમન્સ અર્થાત જે તે ઇનોવેશન આવ્યા બાદ રાજ્યને શું પરિણામો મળ્યા.
ઇન્વેસ્ટમેન્ટમાં પણ ગુજરાત ટૉપ 5માં પણ નહીં
જો ઇન્વેસ્ટમેન્ટની વાત કરવામાં આવે તો તેમાં પણ કર્ણાટક પ્રથમ ક્રમ ઉપર છે. ત્યાર બાદ મહારાષ્ટ્ર, હરિયાણા, કેરળ, તમિલનાડુ અને ત્યારબાદ ગુજરાતનો ક્રમ છઠ્ઠો ક્રમ આવે છે.
બિહાર, ઝારખંડ અને પંજાબને રોકાણ માટે સૌથી ઓછા આકર્ષક ગણવામાં આવ્યા હતા. રિપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે ભારત જેવા મોટા દેશમાં રાષ્ટ્રીય સ્તરે પોલિસી બનાવવાનો ફાયદો નથી. દરેક રાજ્યએ પોતાની પ્રજાની વિશેષતાઓ અને આર્થિક અને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ઇનોવેશન માટે પોલિસી બનાવવી જરૂરી છે.
શું આ અહેવાલ વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમની નિષ્ફ્ળતા દર્શાવે છે?
ગુજરાત રાજ્યને સમગ્ર દેશમાં ધંધા રોજગાર માટે આદર્શ રાજ્ય તરીકે ચીતરવામાં આવે છે. “ગુજરાત મોડલ”ને દેશના અન્ય રાજ્યોમાં અમલ કરવાની યોજનાઓ મુકવામાં આવે છે. એવા સમયે ઇનોવેશન ઇન્ડેક્સમાં ગુજરાતનો નવમો ક્રમ અને ઇન્વેસ્ટમેન્ટમાં ગુજરાતનો છઠ્ઠો ક્રમ નિરાશાજનક છે તેવી ચર્ચાઓ થઈ રહી છે.
રાજ્યમાં દર વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં વિદેશી કંપનીઓ મોટી સંખ્યામાં રાજ્ય સાથે MoU પર હસ્તાક્ષર કરે છે. આ MoU ફક્ત કાગળના વાઘ છે અને તેની કોઈ અસર રાજ્યના ધંધા રોજગાર થઇ નથી રહી તેવી શંકાઓ આ અહેવાલ આવ્યા બાદ નિષ્ણાતો દ્વારા સેવાઈ રહી છે. જો આ કાર્યક્રમથી સાચે જ રાજ્યને સારા પ્રમાણમાં રોકાણ અને આર્થિક ફાયદો ન થતો હોય અને આવા પ્રજાના ટેક્સના રૂપિયે આવા કાર્યક્રમો યોજવા કેટલા યોગ્ય છે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.