અમદાવાદ શહેરની અમરાઈવાડી વિસ્તારની ગણના પછાત વિસ્તારમાં થાય છે. સ્થાનિકોએ રાજકીય પક્ષોના અનેક વખત વાયદાઓ સાંભળી મતદાન તો કર્યું. પરંતુ સમસ્યા હજુ ઠેરની ઠેર છે. અમરાઈવાડી વિસ્તારની જનતા આઝાદીના આટલા વર્ષો બાદ પણ હજી સુધી પ્રાથમિક સુવિધાથી વંચિત છે. તો આ વિસ્તારમાં રોજગારી માટે પણ અન્ય કોઇ સુવિધા ઉપલબ્ધ નથી.
અમદાવાદ જેવા મેગા સિટીમાં સમાવેશ થતો હોવા છતાં અમરાઈવાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. અહીંના લોકોને યોગ્ય સમયે પીવાનું પાણી મળતું નથી. તો ઘણા એવા વિસ્તાર છે જેમાં હજી પણ કેમિકલયુક્ત પીવાનું પાણી મળે છે. તો અમુક વિસ્તારોમાં ગટરો ખુલ્લી પણ છે. અહીં કેનાલના પ્રશ્નો સ્થાનિકો જોરશોરથી ઉઠાવી રહ્યા છે તો પણ સરકારના પેટનું પાણી હાલતું નથી. બીજી તરફ અહીં અભ્યાસને લઈને પણ સમસ્યા છે. જે સરકારી શાળા છે તેમાં પણ યોગ્ય સુવિધા અને શિક્ષણ ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
અમરાઇવાડી વિસ્તારની સૌથી મોટી સમસ્યા છે ગુનાખોરી. રાજ્યમાં દારૂબંધી હોવાના સરકાર ભલે દાવા કરે. પરંતુ અમરાઈવાડીમાં દારૂનું બેફામ વેચાણ થાય છે. તો હત્યા, લૂંટ, ચોરી, દાદાગીરી અને લુખ્ખાગીરીની ઘટના પણ અહીં સામાન્ય છે. આ વિસ્તારનું વાતાવરણ મહિલાઓ માટે યોગ્ય ન હોવાનું અહીં રહેતી મહિલાઓ અનેક વખત કહી ચૂકી છે.
અમરાઇવાડીમાં રોજગારીની તકો ન હોવાથી લોકો ગૃહ ઉદ્યોગ કે છૂટક મજુરી પર વધારે નિર્ભર છે. અહીં પરપ્રાંતીય લોકો વધારે રહે છે. જે શહેરના છેવાડાના વિસ્તારમાં કે આસપાસમાં મજુરી કામ કે છૂટક કામ કરી ગુજરાન ચલાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.