ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીના સાતમા દીક્ષાંત સમારોહમાં પદવી ગ્રહણ કરતા યુવાનોને શુભકામનાઓ પાઠવી હતી અને રાષ્ટ્રની ઉન્નતિ માટે યુવાનો પૂરા સમર્પણભાવથી પ્રવૃત્ત થાય તેવો અનુરોધ પણ કર્યો હતો.
દેશી નસલની ગાય આર્થિક ઉન્નતિનો આધાર સ્તંભ બની શકે તેમ દૃઢતાપૂર્વક જણાવતાં રાજ્યપાલે ભારતીય પશુધનની પરંપરાગત દેશી નસલોની સુધારણા પર ભાર મૂક્યો હતો. તેમણે પશુપાલન વ્યવસાયને આર્થિક ઉન્નતિ સાથે માનવ સ્વાસ્થ્યની રક્ષા સાથે સંકળાયેલી પ્રવૃત્તિ ગણાવી હતી. રાજ્યપાલે રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે પ્રાકૃતિક કૃષિ મજબૂત વિકલ્પ બની શકે છે, તેમ જણાવ્યું હતું. કામધેનુ યુનિવર્સિટીના સફળ વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વધુ ને વધુ સંશોધન અને મૌલિક વિચારો સાથે પ્રાકૃતિક કૃષિનું શ્રેષ્ઠ મોડેલ તૈયાર કરવા અને વધુને વધુ ખેડૂતો આ પદ્ધતિ સાથે જોડાય તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
ગુજરાતના પાણી, પુરવઠા અને પશુપાલન વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ ગુજરાતમાં પશુપાલન પ્રવૃત્તિની વિકાસ ગાથા રજૂ કરી કામધેનુ યુનિવર્સિટી મહત્ત્વને પ્રસ્તુત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રાજ્યની ડેરી કોલેજો, પશુપાલન અંગેની ડિગ્રી કોલેજો, પોલિટેકનિક કોલેજો ને આ યુનિવર્સિટી હેઠળ મૂકીને કામધેનુ યુનિવર્સિટીનો વ્યાપ વધાર્યો છે.
તેમણે પુસ્તક દ્વારા પ્રાપ્ત કરેલા જ્ઞાનને ફિલ્ડના પ્રેક્ટિકલના માધ્યમથી વધુ ધારદાર બનાવવા પદવીધારકોને અનુરોધ કર્યો હતો. તેમણે કૃષિના પૂરક વ્યવસાય તરીકે નહીં પરંતુ પશુપાલનને સ્વતંત્ર વ્યવસાય તરીકે વિકસાવવાના અભિગમ સાથે પડકારોને પહોંચી વળવા વધુને વધુ સંશોધન, ઇનોવેશન અને ઉદ્યમિતાની હિમાયત પણ કરી હતી.
ખાસ કરીને કોવિડ-19 મહામારીમાં યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પ્લેટફાર્મનો ઉપયોગ કરી શિક્ષણ ઉપરાંત ઈત્તર પ્રવૃત્તિ અને લોકજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા તેની વિગતો રજૂ કરી હતી, અને પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલ ઉપરાંત વિવિધ વિષયો ઉપરની દસ્તાવેજી ફિલ્મોનું અનાવરણ પણ કરાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.