દાંડી યાત્રા દરમિયાન છાપરાભાઠા આવ્યા એ સમયે ગામની વસ્તી 750ની હતી, પરંતુ ગાંધીજીને રૂબરૂ નિરખવા અને સાંભળવા માટે છ હજાર લોકો એકઠાં થયા હતા. આગલા દિવસે દેલાડમાં સોમવાર હોવાથી ગાંધીજીનો મૌનવાર હતો. જેના બીજા દિવસે મંગળવારે ગાંધીજીનું છાપરાભાઠા ગામમાં આગમન થયું હતું.
છાપરા ભાઠા ગામે ગાંધીજીએ સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કેદીઓને કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા હોતી નથી. જેલર જ્યાં બેસાડે ત્યાં બેસવું, ફેરવે ત્યાં ફરવું અને સુવાડે ત્યાં સૂવું. અત્યારે મારી પણ એવી જ સ્થિતિ છે. જુદા જુદા તાલુકાની કોંગ્રેસના પ્રમુખો મારા જાણે જેલર થઈને બેસી ગયા છે. અને તેઓ જેમ બેસાડે, સુવાડે અને ખવડાવે તેમ મારે કરવું રહ્યું છે.
છાપાવાળા તો લખે છે કે, હું જેલ જવા તલપી રહ્યો છું. આ વાતમાં અર્ધસત્ય છે. કાયદાભંગ કરનારને નસીબે જેલ તો હોય જ. એટલે અર્ધસત્ય, બાકી જેલમાં જવા હું મુદ્દલ તલપી નથી રહ્યો. સરદાર ગયા પછી હું શું કામ જાઉં ? મેં સરદારને એકવાર કહ્યું હતું કે, તમારી રેખામાં જેલ નથી, હું તો અનેકવાર જઈ ચૂક્યો છું એટલે તમે બહાર રહેજો. પણ ઈશ્વરની ઈચ્છા જુદી હતી. સરકાર તેમને પહેલાં લઈ ગઈ
હું જોઉં છું કે બે ત્રણ દિવસથી હવા બદલાઈ ગઈ છે, પણ કયારેક નિરીક્ષણ કરૂં છું, તો આવા ઉત્સાહી ગામમાં પણ એક રેંટિયો નથી. એક મળ્યો તે માંડ સાંજે કરી શકાય એવો, એટલે મેં શરત કરી કે કોઈ માથે કે ખભે મૂકીને પાસેના ગામથી રેંટિયો લઈ આવે તો આ ગામમાં તે રેટિયા ઉપર કાંતવા તૈયાર છું. એટલે એક સ્વયંસેવક દોડ્યો અને પાટીદાર આશ્રમમાંથી રંટિયો લઈ આવ્યો. એ રેંટિયા ઉપર કાંત્યા વિના કેમ જ ચાલે ? હમણાં જ એના ઉપર કાંતીને આવ્યો છું, પણ કરૂણ કથા એ છે કે આવા ગામમાં પણ રેંટિયો ન હોય એવું જર્જરિત કામ આપણે કરીએ તો સરદાર ન છૂટે. સ્વરાજનાં ઘણાં અંગ છે.
સ્વરાજનાં ઘણાં અંગ છે. આપણે ગાઈએ છીએ કે “સૂતરને તાંતણે સ્વરાજ’ પણ એમ ગાવાથી સ્વરાજ થોડું મળવાનું હતું ? એ તો તાંતણા કાઢીએ ત્યારે મળે. આ રેંટિયાનું તો મેં ઉદાહરણ આપ્યું પણ એવું દારૂનું કામ પડેલું જ છે. ત્રીજી વાત અમદાવાદની બહેનોએ કચરો કાઢી ગામડાં સાફ કરવાની શીખવી તે છે. આપણામાં કચરો ખૂબ ભરાયો છે, તેથી આપણે સ્વરાજનો મંત્ર ભૂલી ગયા છીએ. એ કાઢતાં આપણે સમાજના અને હૃદયના મેલ કાઢીશું. આ ગામમાં નાનાં નાનાં બાળકોએ આટલી સ્વચ્છતા કરી મૂકી, તો આજે અહીં આટલા બધા માણસ બેસી શક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.