સુરત શહેરમાં કોરોનાની બેકાબુ બનેલી પરિસ્થિતિને પગલે ગઇકાલે સુરત દોડી આવેલા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Rupani) મુલાકાત ફળદાયી નિવડી છે. સુરત શહેરના આજે પાંચ હજાર જેટલા રેમડેસિવિર ઇન્જેકશન (Injection) આવી ગયા છે.
કોરોનાના સંક્રમણ ભયાનક રીતે આગળ વધતા શહેરમાં ખાનગી મેડિકલ સ્ટોરમાં રેમડેસિવિરની કટોકટી ઉભી થઇ હતી. સુરત શહેરમાં કેટલેક ઠેકાણે તો ઈન્જેકશનની ધૂમ કાળાબજારી ચાલી હતી. જેને કારણે કોરોનાના દર્દીઓને બચાવવા મુશ્કેલ થઈ ગયા હતાં. સુરતમાં કોરોનાની પરિસ્થિતિ કાબુ બહાર જતી રહેતાં ગઇકાલે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉડતી મુલાકાતે સુરત આવી પહોંચ્યા હતાં.
સુરત શહેરમાં કોરોનાના વિસ્ફોટ બાદ વિકટ સંજોગોને પહોચી વળવા અને રેમડેસિવિરના કાળાબજારીની અટકાવવા કલેકટરે ગઇકાલે એક વ્યવસ્થા ગોઠવી હતી. કલેકટર ડો.ધવલ પટેલએ કરેલી વ્યવસ્થા મુજબ આજે ગણતરીના કલાકોમાં 80 કરતા વધારે ઇ-મેઇલ આવ્યા હતાં
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના મદદનીશ કમિશનર આર.એમ.પટેલએ જણાવ્યું હતું કે શહેરમાં નકકી કરેલા દરો કરતા કોઇ વધારે રકમ લઇ ઇન્જેકશન આપશે તો તેમની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, રેમડેસિવિરની અછત દૂર કરવા સરકારે પણ સુરતને પાંચ હજાર સ્ટોક ફાળવ્યો છે. જે પૈકી આજે નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરને 1500 સ્ટોક અપાયો છે.
ખાસ કરીને ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂરીયાતવાળા દર્દીઓને તાકીદે હોસ્પિટલમાં દાખલ કરવા જરૂરી હોવાથી હવે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને ડિસ્ચાર્જ કરવાની પોલિસીમાં ફેરફાર કરવાના સંકેત મનપાના આરોગ્યતંત્ર દ્વારા અપાયા છે. હવે કોરોનાની સારવાર લઇ રહેલા જે દર્દીઓને ઓક્સિજનની જરૂર ના હોય તો તેને અન્ય કોવિડ કેર સેન્ટરોમાં ખસેડાશે અથવા ઘરે જ સારવાર લેવા અનુરોધ કરાશે. જેથી ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂરીયાતવાળા દર્દીઓને હોસ્પિટલમાં બેડ મળી રહે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.