ફિલ્મોમાં આઇટમ ગીત માટે કે ગ્લેમર માટે જ, હીરોઇનોને કામ મળતું હતું, એ દિવસો હવે રહ્યા નથી

ફિલ્મોમાં આઇટમ ગીત માટે કે ગ્લેમર માટે જ હીરોઇનોને કામ મળતું હતું એ દિવસો હવે રહ્યા નથી. દીપિકા પાદુકોણ કે તાપસી પન્નુ જ નહીં ઘણી અભિનેત્રીઓ પાસે અત્યારે વૈવિધ્યપૂર્ણ અને મજબૂત ભૂમિકાઓવાળી પાંચ-સાત ફિલ્મો છે. એમાં દીપિકાનું નામ સૌથી ઉપર છે. ‘છપાક’ પછી કોઇ ફિલ્મમાં ભલે જોવા મળી નથી પરંતુ અત્યારે મોટી ફિલ્મોમાં મોટા સ્ટાર સાથે પણ મહત્ત્વની ભૂમિકાઓ નિભાવી રહી છે. પતિ રણવીરસિંહની કપિલદેવના જીવન પરની તેની ‘૮૩’ ની રાહ જોવાઇ રહી છે ત્યારે શાહરૂખ ખાન સાથે ‘પઠાન’ અને રિતિક સાથે ‘ફાઇટર’ કરી રહી છે. ‘મહાભારત’ માં તે દ્રૌપદી બની છે.

દીપિકા મેગા બજેટની અને મલ્ટીસ્ટારર ફિલ્મોમાં વધારે દેખાવાની છે ત્યારે તાપસીને મહિલાપ્રધાન ફિલ્મો વધુ હાથ લાગી રહી છે. ‘થપ્પડ’ માટે પહેલાં પ્રશંસા અને પછી એવોર્ડ મળ્યા પછી તાપસીને એ પ્રકારની મહત્ત્વની ભૂમિકાઓ વધુ મળી રહી છે. બાયોપિક માટે તો તાપસી ખાસ પસંદ બની ગઇ છે

પ્રભાસની ‘આદિપુરુષ’ માં સીતાની ભૂમિકા નિભાવતી કૃતિ ‘મિમિ’ માં મુખ્ય ભૂમિકામાં છે, અક્ષયકુમાર સાથે ‘બચ્ચન પાંડે’, વરુણ ધવન સાથે ‘ભેડિયા’, રાજકુમાર સાથે ‘હમ દો હમારે દો’ અને ટાઇગર સાથે ‘ગણપત’ માં એકશન કરતી દેખાવાની છે. એક સમય હતો જ્યારે માત્ર સલમાનની ફિલ્મોમાં જ જોવા મળતી હતી એ જેકલીન ફર્નાન્ડિસ પાસે સલમાન ખાનની ‘કિક ૨’ ઉપરાંત અક્ષયકુમાર સાથે ‘રામ સેતુ’ અને ‘બચ્ચન પાંડે’, રણવીર સિહ સાથે ‘સર્કસ’ ઉપરાંત સૈફ અલી ખાન સાથે ‘ભૂત પોલીસ’ જેવી છ ફિલ્મો છે. આલિયા ભટ્ટ અને યામી ગૌતમ પાસે પણ પાંચ-પાંચ ફિલ્મો છે.

આ મહિને મુંબઇમાં વીકએન્ડ પર ટીવી સીરિયલોનું શૂટિંગ થવાનું ન હોવાથી નિર્માતાઓ અને ચેનલોની મુશ્કેલી વધી રહી છે. ફરીથી કેટલાક શો અધવચ્ચે જ બંધ કરવાની નોબત આવી શકે છે. ‘ભાભીજી ઘર પર હૈ’ ની શુભાંગી અત્રે કોરોના સંક્રમિત થઇ હોવાથી તેનો કામચલાઉ વિકલ્પ શોધવામાં આવી રહ્યો છે. અગાઉ ‘અનુપમા’ ના પારસ અને આશિષને કોરોના થયા પછી મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલી પણ પોઝિટિવ આવી છે અને એ કારણે વાર્તામાં ફેરફાર કરવામાં આવ્યો છે. સીરિયલમાં જૂનાં દ્રશ્યોને જોડીને વાર્તાને ખેંચવામાં આવી રહી છે. છેલ્લાં ઘણાં અઠવાડિયાંથી નંબર વન રહેલી ‘અનુપમા’ ને હજુ સુધી વાંધો આવ્યો નથી. આ માસની પહેલી ટીઆરપીમાં પણ ‘અનુપમા’ પહેલા સ્થાન પર જ છે, એટલું જ નહીં ગયા સપ્તાહ કરતાં પણ વધુ દર્શકો મળ્યા છે.

સ્ટાર પ્લસ’ ની જે સીરિયલો ટોપ પર રહે છે એમાંની ઘણી પ્રાદેશિક ભાષાની રીમેક છે. ફિલ્મોની જેમ સીરિયલોમાં પણ રીમેકનું ચલણ વધી ગયું છે. ‘સ્ટાર જલસા’ પર આવતી બંગાળી સીરિયલ ‘શ્રીમોઇ’ પરથી ‘અનુપમા’ ને બનાવવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.