આજે સીએમ વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સવારે જામનગર અને કચ્છની મુલાકાત લીધી હતી. એટલુંજ નહીં કોરોનાના દર્દીઓની સારવાર માટે બન્ને જિલ્લાઓમાં વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.રૂપાણીએ જામનગરમાં કહ્યું હતું કે,રાજયમાં એક પણ કોરોનાના દર્દી રેમડેસિવિર વિના ના રહે તેવી વ્યવસ્થા કરવા સરકાર આગળ વધી રહી છે.
રૂપાણીએ જણાવ્યું હતું કે, હાલ સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વ્યાપક જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ આ સંક્રમણમાં ખૂબ વધારો જોવા મળ્યો છે. દરરોજ આવતા ૩૦૦ કેસોની સામે હાલ દૈનિક કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ વ્યાપક છે. જેના કારણે હાલની સ્થિતિ ખૂબ નાજુક બની છે. ૧૫મી માર્ચે સમગ્ર રાજયમાં કોવિડના ૪૧ હજાર બેડ હતા. જે વધારીને ૧૫ એપ્રિલ સુધીમાં ૭૫ હજાર સુધી કરવામાં આવ્યા છે.
તેમણે રેમડેસિવિર ઇન્જેકશન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલની નાજુક સ્થિતિમાં સારવારની પ્રાથમિકતા નક્કી કરવામાં આવી છે.
આગામી સમયમાં વધુ જથ્થો ઉપલબ્ધ થયે ભવિષ્યમાં ખાનગી હોસ્પિટલોને પણ રેમડેસિવિર ઇન્જેકશન આપવામાં આવશે. ગુજરાતના દવાખાનાઓમાં એક પણ દર્દી રેમડેસિવિર ઇન્જેકશન વિના ન રહે તેની સંપૂર્ણ તકેદારી સાથે રાજય સરકાર જવાબદારીપૂર્વક આગળ વધી રહી છે ત્યારે નાગરિકોએ સહેજપણ ચિંતા કરવાની જરૂર નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.