રાધનપુર : શંકરસિંહ સામે હારનાર નરેન્દ્ર મોદીની સેના અલ્પેશ ઠાકોરને જિતાડી શકશે?

મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં પણ છ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી.

સામાન્ય રીતે પેટાચૂંટણીમાં સામાન્ય ચૂંટણી જેવો લોકોને રસ નથી હોતો, પંરતુ આ પેટાચૂંટણીમાં ગુજરાતની રાધનપુર બેઠક પર દરેકની નજર છે.

રાધનપુર અપવાદ બન્યું છે, કારણ કે 22 વર્ષ પછી સર્જાયેલો એક સંયોગ છે.

આ પેટાચૂંટણીમાં રાધનપુરમાં 62.95ટકા મતદાન થયું છે. 2017ની ચૂંટણીમાં રાધનપુર બેઠક પર 68 ટકા મતદાન થયું હતું.

મતલબ ગત ચૂંટણી કરતા મતદાનની ટકાવારી 5 ટકા જેટલી ઘટી છે.

અલ્પેશ ઠાકોરની ઉમેદવારીથી ચર્ચામાં આવેલી આ બેઠક પર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીથી લઈને તમામ મોટા ભાજપના નેતાઓએ પ્રચાર કર્યો છે.

જોકે, એની વાત પછી પહેલાં વાત કરીએ આ પેટાચૂંટણીની.

વરસના આડે દિવસે સાવ સુસ્ત રહેતા આ નાનકડા કસબા રાધનપુરમાં ઇલેક્શન વખતે જોમ આવી જાય છે.

આ વિસ્તાર આમ તો ભાજપના અગ્રણી નેતા શંકર ચૌધરીના દબદબાવાળો છે, પરંતુ તેમને પાર્ટીએ ચૂંટણી લડવાની તક નથી આપી.

2017માં વાવ બેઠક પરથી કૉંગ્રેસના ગેનીબહેન ઠાકોર સામે ચૂંટણી હારી જનાર શંકર ચૌધરી 2017 અગાઉ ખૂબ સક્રિય ગણાતા હતા અને મંત્રીપદે પણ રહ્યા હતા.

રાધનપુર બેઠક પરથી ભાજપે અલ્પેશ ઠાકોરને અને કૉંગ્રેસે રઘુ દેસાઈને ટિકિટ આપેલી છે.

માંડ ચાર વર્ષ પહેલાં 2015માં ગુજરાતના જાહેરજીવનમાં ઊભા થયેલા ત્રણ યુવાનેતાઓ- હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી પૈકી એક એવા અલ્પેશ ઠાકોરે કદી કોઈ પાર્ટીમાં નહીં જોડાવાની કસમ સાથે ઠાકોરસેનાના માધ્યમથી સમાજમાં દારૂની બદી સામે સામાજિક આંદોલન છેડ્યું હતું.

જોકે, ટૂંક જ સમયમાં તેઓ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાં જોડાયા. રાધનપુરની બેઠક કૉંગ્રેસની ટિકિટ પરથી એમણે જીતી હતી.

અલ્પેશ ઠાકોરને 85,777 મત મળ્યા હતા અને એમણે ભાજપના સોલંકી લવિંગજી મૂળજીજીને હરાવ્યા હતા.

જોકે, 2019ની લોકસભાની ચૂંટણીમાં આવતા સુધી તો એમણે કૉંગ્રેસને પણ અળગી કરી અને છેલ્લે રાજ્યસભા ઇલેક્શનમાં ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ પણ કર્યું.

એ વખતે એમણે કૉંગ્રેસમાં સન્માન નહીં મળ્યું હોવાનો દાવો કર્યો હતો. એ પછી ધારણા મુજબ જ એમણે ભાજપમાં પ્રવેશ કર્યો.

એ વખતે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે નબળા શિક્ષકોની સ્કૂળ છોડીને ગુરુકુળમાં આવ્યો છું.

ભાજપ પ્રવેશ પછી એમણે ફરી રાધનપુર બેઠક પરથી જ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી છે અને એમના રાજકીય ભાવિ પર મતદારોનો નિર્ણય 24 તારીખે આવી જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.