મંગળવારે ફરી એક વખત રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાઓને આડે હાથ લેતા ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે. મનપા સરકારની પોલિસી મુજબ કામ કરતી નથી. શા માટે બાળકો જેવું વર્તન કરે છે?
હાઈકોર્ટે વધુમાં મનપાને ખખડાવતા કહ્યું હતું કે અન્ય કોર્પોરેશનો રિયલ ટાઈમ ડેટા આપે છે, તો તમે શું છુપાવવા માંગો છો ?. ડિવિઝન બેન્ચે વધુમાં કહ્યું હતું કે 108ની સેવાઓ સદંતર નિષ્ફળ નીવડી છે, હજુ પણ 48 કલાક સુધી 108 મળતી નથી? શું આને ઇમરજન્સી સર્વિસ કહી શકાય ? હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે વધુમાં ફટકાર લગાવતા કહ્યું હતું કે રાજ્ય સરકાર કોરોનાની મહામારીને રોકવામાં સદંતર નિષ્ફળ નીવડી છે.
ગુજરાત હાઇકોર્ટ ઓક્સીજન રેમડેસિવિર ઇન્જેક્શનના મુદ્દે રાજ્ય સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે રાજ્યમાં ઓક્સીજનની શું સ્થિતિ છે, તે અંગે કોઈ જ ચોક્કસ હકીકત રજૂ કરવામાં આવી નથી.
સાથે જ છેલ્લા એક મહિનામાં અને પંદર દિવસમાં કેટલા રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરાયું તેનો સમગ્ર ડેટા કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો હતો. સાથે જ કહ્યું હતું કે હજુ પણ કોરોના દર્દીઓને જરૂરિયાત મુજબના ઇન્જેક્શન મળતા નથી.
હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે તમે એફિડેવિટમાં કેટલીક ખોટી માહિતી રજૂ કરી છે. આવા તમારા સોર્સ કેવા બેદરકાર છે? આ ઉપરાંત ટેસ્ટિંગ શા માટે ઘટાડવામાં આવ્યા ? તેવો વેધક પ્રશ્ન પણ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.