એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરોનાને નાથવા માટે રસી જ ઉપાય છે તેમ જણાવી રહ્યાં છે. જેથી લોકો કોરોનાની રસી મેળવવા માટે વહેલી સવારથી લાઇનમાં ઉભા રહે છે. ત્યારે રાજ્યમાં કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ 42 દિવસ પછી જ આપવાનો નિયમ અચાનક આપી દેતાં હજારો લોકોએ કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી રસી મુકાવ્યા વગર પાછા જવાનો વારો આવ્યો હતો. આ નિર્ણયને કારણે બુધવારે રાજ્યનાં અનેક કેન્દ્રમાં લોકોની હાલાકી વધી ગઈ હતી અને લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. લોકો રોષે ભરાઇને કહી રહ્યાં હતા કે, કોઇપણ આગોતરી જાણ કર્યા વગર કેન્દ્રો પર આવેલા લોકોને નિયમ બતાવવામાં આવતા સૌથી વધુ હાલાકી 45થી વધુ વયના લોકોને પડી હતી. રસીકરણ કેન્દ્રો પર આ મુદ્દે લોકો અને સ્ટાફ પર બોલાચાલી પણ થઈ હતી. કતારમાં ઉભા રહ્યા પછી રસી નહીં મળતા લોકો નિરાશ થયા હતા.
ભારત સરકાર તરફથી મળેલી ગાઈડલાઈન અનુસાર, કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લઈ ચૂકેલા વ્યક્તિઓ, પોતાનો બીજો ડોઝ 42 દિવસ પછી જ લઇ શકશે. આ પ્રકારની પ્રોસેસ કોવિન સોફ્ટવેરમાં બુધવારથી જ અપડેટ કરી દેવામાં આવી હતી. જેથી કોવીડશીલ્ડ રસીનાં પ્રથમ ડોઝનાં 42 દિવસ પૂર્ણ થયા બાદ જ બીજા ડોઝનું રસીકરણ થઇ શકશે. જેથી તમામ નાગરિકોએ ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઇને કોવીશિલ્ડ વેક્સીનના પ્રથમ ડોઝનાં 42 દિવસ પૂર્ણ થયા બાદ જ બીજો ડોઝ લેવા માટે જે તે અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનિટી હોલમાં આ રસી મેળવી શકશે.
લોકોમાં રોષ દેખાયો ;
અમદાવાદમમાં 3 સ્થળે ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન સેન્ટર પર લાંબી કતારોમાં કાર લઇને ઉભા રહ્યા બાદ વારો આવતો હોય છે. ત્યારે તેમને પણ કલાકોની રાહ બાદ જ્યારે કહેવાયું કે, તમે પ્રથમ ડોઝ લીધાને હજુ 42 દિવસ પૂરા થયા નથી. તેથી બીજો ડોઝ આ સમય પૂરો થયા પછી જ મળશે. આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર તથા કોમ્યુનિટી હોલમાં વહેલી સવારથી જ લાઇનમાં ઉભેલા લોકોને પણ પહેલા જાણ કરવામાં ન આવી અને કલાકો લાંબી કતારોમાં ઉભા રહીને જાણ કરવામાં આવી કે તમને રસી આજે નહીં મળે. જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.