વધતા કોરોનાના કેસને કારણે ભારતના અનેક રાજ્યોમાં લૉકડાઉન વધારી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં શૂટિંગ બંધ હોવાથી સૌથી કફોડી સ્થિતિ જુનિયર આર્ટિસ્ટની છે. તેઓ ભૂખ્યા રહેવાની સ્થિતિમાં આવી ગયા છે. તેમને શૂટિંગમાં ડેઈલી બેઝ પર પગાર મળતો હોય છે. જેટલા દિવસ શૂટિંગ કરે તેટલા દિવસ પગાર મળે. છેલ્લાં એક મહિનાથી મુંબઈમાં શૂટિંગ બંધ છે. હવે આ જુનિયર આર્ટિસ્ટ અન્ય કામ કરીને ઘરનું ગુજરાન ચલાવવાનો પ્રયાસ કરે છે. વેબ પોર્ટલ આજ તકે કેટલાંક જુનિયર આર્ટિસ્ટ સાથે વાત કરીને તેમની આર્થિક સ્થિતિ અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
- મોટાભાગના જુનિયર આર્ટિસ્ટ હાલમાં બેકાર છે અને તેઓ કામ શરૂ થાય તેની રાહમાં છે.
- ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયઝના પ્રેસિડન્ટ બી એન તિવારીએ કહ્યું,ભીખ કે મદદમાં મળેલી વસ્તુઓથી તમે કેટલાં સમય સુધી પેટ ભરી શકશો.
આ જુનિયર આર્ટિસ્ટ ગાર્ડની નોકરી માટે ધર ધર ભટકે છે. ભાવના છેલ્લાં 15 વર્ષથી જુનિયર આર્ટિસ્ટ તરીકે કામ કરે છે. તેણે ફિલ્મ ‘કેદારનાથ’, ‘તીસ માર ખાન’, ‘અગ્નિપથ’, ‘ગજની’, ‘સ્લમડોગ’ જેવી 200થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. 37 વર્ષીય ભાવના લૉકડાઉનને કારણે ઘરે જ છે. સિંગલ મધર ભાવના ત્રણ મહિનાથી ઘરનું ભાડું ભરી શકી નથી. તેણે પોતાની સ્થિતિ અંગે વાત કરતાં કહ્યું હતું કે તે સિંગલ માતા છે. પતિનું મોત ખાસ્સા સમય પહેલાં થઈ ગયું હતું. તે અહીંયા માતા સાથે રહે છે. તેની આવક પર ઘર ચાલે છે. છેલ્લાં ત્રણ મહિનાથી ઘરનું ભાડું, વીજળીનું બિલ ભરી શકી નથી. વ્યાજ અને દેવામાં જીવન પસાર કરે છે. કરિયાણું પણ ઉધાર લાવે છે. આ મુશ્કેલીમાં તે દીકરાના ક્લાસ તથા ફી અંગે વિચારી પણ શકે તેમ નથી. તેણે વોચમેનની નોકરી માટે અનેક જગ્યાએ અરજી કરી છે, પરંતુ ક્યાંય વાત ફાઈનલ થઈ નથી. યુનિયને કહ્યું છે કે પૈસાની મદદ કરશે, પરંતુ હજી સુધી પૈસા આવ્યા નથી અને તે પણ કેટલા પૈસા આપશે. તે ઈચ્છે છે કે જલ્દીથી શૂટિંગ શરૂ થાય અને તે પરિવારને સંભાળી શકે. હાલ તે ઘણી જ લાચારી અનુભવે છે.
મિત્રની મદદથી ફળ વેચીને ગુજરાન ચલાવું છે ;45 વર્ષીય અમઝદ પોતાની હાલત પર રડી પડ્યો હતો, તેણે કહ્યું હતું કે છેલ્લાં બે વર્ષથી ઈદ પર બાળકો માટે કંઈ જ કરી શકાયું નથી. તે બે મહિનાથી બેકાર છે. તેણે છેલ્લે એક જાહેરાતમાં કામ કર્યું હતું. સરકારે પણ એમ કહ્યું છે કે તમે જુનિયરને અવોઈડ કરો. 50ને બદલે સેટ પર માત્ર પાંચ લોકોને બોલાવો. સેટ પર પાંચ લોકો આવે તો બાકીના 45નું શું થાય? અત્યારે મહારાષ્ટ્ર બહાર શૂટિંગ થઈ રહ્યું છે. ફેડરેશન પણ મદદ કરવાના પ્રયાસમાં છે. જોકે, હજી સુધી પૈસા મળ્યા નથી. રમઝાનના સમયમાં મિત્રની ફળોની લારી પર કસ્ટમર બોલાવવાનું કામ કરતો હતો. દિવસના હિસાબે તે પૈસા આપતો હતો. હવે તો રમઝાન મહિનો પૂરો થઈ ગયો. શૂટિંગ શરૂ થાય તેની રાહ છે. જો શૂટિંગ શરૂ ના થયું તો પરિવાર ભૂખમરામાં મરી જશે. ઘરમાં ત્રણ બાળકો, પત્ની, અમ્મી-અબ્બુ છે. ઘરનું ભાડું નથી ભર્યું.
મદદથી ક્યાં સુધી પેટ ભરાશે;ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયઝના પ્રેસિડન્ટ બી એન તિવારી પણ ઈચ્છે છે કે જલ્દીથી શૂટિંગ શરૂ થાય. તેમણે કહ્યું હતું કે કોઈ પણ કિંમત પર શૂટિંગ શરૂ થવું જોઈએ. અંદાજે એક લાખ વર્કર્સ બેકાર છે. જો કામ શરૂ ના થયું તો તેઓ ભૂખે મરી જશે. અનેક આત્મહત્યા કરી શકે તેમ છે. આથી જ સરકારે શક્ય તેટલી જલ્દી શૂટિંગની પરવાનગી આપવી જોઈએ. ભલે જુનિયર આર્ટિસ્ટને સેટ પર જ રહેવાનું હોય. તેમને અત્યારે જે પણ મદદ મળે છે, તેના માટે તે આભારી છે, પરંતુ ભીખ કે મદદમાં મળેલી વસ્તુઓથી તમે કેટલાં સમય સુધી પેટ ભરી શકશો. જ્યાં સુધી વર્કર્સ કામ પર પરત નહીં આવે ત્યાં સુધી આ મુશ્કેલીનો ઉકેલ આવશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.