કોરોનાના કાળમાં ઓનલાઈન શાળા ચલાવીને પણ વિદ્યાર્થીઓ પાસેથી પૂરી ફી વસૂલનાર ખાનગી શાળાઓને સંચાલકોની મિલકત વેરામાં એટલે કે પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાની માગણીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઠુકરાવી દીધી છે. તેમણે કહ્યું હતું કે શાળાઓ બંધ હોવા છતાંય સંચાલકોએ કમાણી કરી છે.
શાળાના સંચાલકોએ કોરોના કાળમાં વાલીઓ પાસે ફી લેવાનું ટાળ્યું હોત તો ગુજરાત સરકાર તેમને મિલકત વેરામાં રાહત આપવાનો વિચાર કરવા તૈયાર હોત એમ તેમણે જણાવ્યું હતું. આ સાથે જ સરકાર જણાવે નહિ તે પહેલા શાળાઓ શરૂ કરવાની પણ ના પાડી દેવામાં આવી છે.શાળા સંચાલકોની રજૂઆત છે કે તેમની શાળાઓ એક વર્ષથી બંધ જેવી હાલતમાં છે. તેથી સરકારે શાળાઓ ખોલવાની અને મિલકત વેરા-પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાની જાહેરાત કરવી જોઈએ.
બીજી તરફ કોરોનાના કપરાં કાળમાં પણ શાળાના સંચાલકોએ સ્કૂલ ફીને મુદ્દે વાલીઓને મેસેજ મોકલ્યા છે. ફીની બાબતમાં પણ સરકાર તરફથી આગામી સમયમાં પગલાં લેવામાં આવશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. શાળા સંચાલકોએ ફી લીધી છે તો તેમને પ્રોપર્ટી ટેક્સમા કેવી રીતે રાહત આપી શકાય તેવો વળતો સવાલ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે શાળાઓ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા કરવામાં આવેલી ભલામણ કરતાંય વધુ ફી વસૂલવામાં આવી રહી હોવાનો આક્ષેપ પેરેન્ટ્સ એકતા મંચે કર્યો હતો. શાળા સંચાલકોએ ફી રેગ્યુલેટરી કમિટીમાં ફી વધારા માટે રજૂઆત કરી હોય અને તેની મંજૂરી ન આવી હોય તો પણ નવી વધારેલી ફી ગેરકાયદેસર રીતે વસૂલ કરવામાં આવી રહી છે. આ રીતે ફી વસૂલ કરી શકાય જ નહી. આમ શાળાઓ વાલીઓના ભોગે નફાખોરી કરી રહી છે.
https://www.youtube.com/watch?v=zsQRsMuGImI
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.