હવે આ સમાજનું યોજાશે મહાસંમેલન, અગ્રણી નેતાઓને પણ પડતાં મુકશે..

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કોળી સમાજના આગેવાનો અવાજ ઉઠાવવા મળી રહ્યા છે. અખિલ ભારતીય કોળી સમાજ કે જેના પ્રમુખ પદે કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરી ભાજપમાં જઈને મંત્રી બનેલા કુંવરજી બાવળિયા છે તેમને બાજુ પર રાખીને આ જ સંગઠનના ગુજરાત પ્રદેશના હોદ્દેદારો આ માટે તૈયારી કરી રહ્યા છે અને તા.૨૭ જૂન આસપાસ કોળી તથા તેની પેટા જ્ઞાતિઓના તમામ મંડળોને એક કરવા તજવીજ હાથ ધરી છે. જે બાબત ચર્ચાનું કેન્દ્ર બની છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ૨૮ બેઠકો પર કોળી મતદારો પ્રભુત્વ ધરાવે છે જેથી હાલની રાજકીય સ્થિતી જોતાં કોળી સમાજની અવગણના કરવી ભાજપને ભારે પડી શકે છે.

ગુજરાતનું રાજપાટ કોઈ એક જ્ઞાતિને આપી શકાય નહીં તેમ કહીને ગુજરાત પ્રદેશ કોળી સમાજના પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલાએ જણાવ્યું કે કોળી સમાજની વધુ વસ્તી છતાં એક નાયબ મુખ્યમંત્રી થયા છે કોઈ મુખ્યમંત્રી બન્યા નથી, અમે બધા મંડળોને એક મંચ પર ભેગા કરીશું, આ સમાજના પ્રમુખ પદે કુંવરજીભાઈ છે પરંતુ, આ અભિયાન સમાજના બીનરાજકીય લોકો આગળ વધારશે. આ માટે અમારી કમિટિ છે અને અમે ઓબીસી સમાજ કે જેની કૂલ વસ્તી ગુજરાતમાં સૌથી વધારે છે તેમને સાથે રાખીશું જેથી તેઓ અમને અને અમે તેઓને મદદરૃપ થઈ શકીએ. તારીખ હજુ નક્કી થઈ નથી પરંતુ, રવિવાર તા.૨૭ વિચારાઈ રહી છે.

વર્ષ ૨૦૦૨ સુધી કોંગ્રેસની અકબંધ વોટબેન્ક ગણાતાં કોળી મતદારો ધીરે ધીરે સરકવા માંડયા હતાં. વર્ષ ૨૦૧૪માં ભાજપે લોકસભાની ચૂંટણી વખતથી કોળી મતદારો પર પક્કડ જમાવી લીધી હતી. સંગઠનથી માંડીને અન્ય મહત્વના હોદ્દા આપી ભાજપે કોળી સમાજનો હાથ પકડી લીધો હતો. સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત કોળી સમાજ ગુજરાતમાં પાટીદારો બાદ રાજકીય પ્રતિનિધીત્વ ઉભુ કરવામાં બીજા ક્રમે છે. લિંબડીની પેટાચૂંટણી વખતેય કોળી સમાજે સોમા ગાંડા પટેલને ટિકિટ આપવા ભારે ધમપછાડા કર્યા હતા પણ ભાજપ નેતાગીરીએ છેલ્લી ઘડી સુધી કોળી સમાજની અગવણના કરીને આખરે કિરીટસિંહ રાણાને જ ટીકીટ આપી હતી.

સૌરાષ્ટ્રમાં જસદણ, વાંકાનેર, સોમનાથ વેરાવળ, તળાજા, બોટાદ ,ચોટીલા, ઉના સહિત અનેક બેઠકો પર કોળી મતો નિર્ણાયક રહ્યા છે. તો આ જ રીતે અનેક બેઠકો પર પાટીદાર મતો પણ નિર્ણાયક છે. પરંતુ, ચૂંટણી ટાણે જે સક્ષમ ઉમેદવાર હોય તે જીતતા રહે છે. ઈ.સ.૨૦૨૨ની ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ત્યારે સરકાર દ્વારા થનારી હોદ્દા વગેરેની સંભવિત લ્હાણીઓ, પદ ફાળવણી વગેરે પ્રક્રિયા હાથ ધરાય તે પહેલા જ્ઞાતિ આાધારિત રાજકારણ શરુ થયું છે.

સૌરાષ્ટ્રમાં આમ તો દર વર્ષે આ સિલસિલો જોવા મળે છે અને એક સમાજ જ્ઞાતિ માટે માંગણી મુકે તેના પગલે અન્ય જ્ઞાતિ જાગે છે, જ્ઞાતિ આધારિત રાજકારણ સૌરાષ્ટ્રમાં બેધારી તલવાર રહ્યું છે જેમાં જ્ઞાતિ પરિબળ ચાલવા સાથે પ્રતિ જ્ઞાતિ પરિબળ પણ ચાલતા રહ્યા છે અને હવે આમ આદમી પાર્ટી વધુ સક્રિય થઈ રહી છે ત્યારે આવનારો ચૂંટણી જંગ રસાકસીવાળો બનવાના એંધાણ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.