ઉત્તરાખંડમાં ચોમાસુ શરૂઆતથી જ રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યું છે. કેટલાય કલાકોથી થઇ રહેલા મુશળધાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બનીને વહી રહી છે.
વરસાદને કારણે ગંગાની જળ સપાટી સતત વધી રહી છે. આ કારણોસર ચેતવણી જારી કરવામાં આવી છે. ગંગાની સાથે ગોરી, શારદા, અલકનંદા, મંદાકિની અને નંદાકિની નદીઓ પણ ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે. બદરીનાથ, રૂદ્રપ્રયાગ, પિથોરાગઢ, અલ્મોરા હાઇવે સહિતના ઘણા માર્ગો બંધ છે.
શનિવાર સાંજ સુધી ગંગાની જળ સપાટી 340.50 મીટર નોંધાઇ હતી. કેન્દ્રીય જળ આયોગના કર્મચારીઓએ જણાવ્યું હતું કે ગંગા નદી વોર્નિંગ લેવલ 339.50 મીટરથી ડેન્જર લેવલ 340.50 મીટર ઉપર વહી રહી છે.
બેરેજના તમામ 15 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. જ્યારે, ચીલા શક્તિ કેનાલમાં પાણી ન જવાથી ઉત્પાદન અટકી પડ્યું છે. યુજેવીએનએલ (ઉત્તરાખંડ જળ વિદ્યુત નિગમ) દ્વારા દરેક પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પરમાર્થ નિકેતન સ્વર્ગાશ્રમ, ત્રિવેણી અને લક્ષ્મણ ઝુલાના લગભગ તમામ ગંગા ઘાટ ડૂબી ગયા છે.
ટિહરી ગઢવાલમાં બ્યાસી નજીક નેશનલ હાઇ-વે-58 (ઋષિકેશ-શ્રીનગર હાઇ-વે) ભૂસ્ખલનને કારણે બંધ કરાયો છે. એટલું જ નહીં, ભૂસ્ખલનને કારણે વાહનો પિથોરાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘાટ પોલીસ સ્ટેશન નજીક અટવાઈ ગયા હતા. તે જ સમયે, ચમોલી જિલ્લાના ગુલાબકોટી અને કૌડિયા વચ્ચે બદરીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.