શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા જશોદાનગર વિસ્તારમાં આવેલા કેટલાક વિસ્તારોમાં રહેતા શહેરીજનોને પાણી મેળવવા માટે ટેન્કરરાજનો આશરો લેવો પડી રહ્યો છે. ટેન્કર નોંધાવ્યા બાદ ચારથી પાંચ દિવસે એક વાર ટેન્કર આવતુ હોવાથી સ્થાનિક રહીશો ત્રાહીમામ બની ગયા છે.
આ અંગે મળતી માહીતી મુજબ, જશોદાનગર ખાતે આવેલી નવી વસાહત, મહીસાગર મંદિર આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો પીવાનું પાણી મેળવવા માટે વલખાં મારી રહ્યા છે. સ્થાનિક આગેવાન કમાભાઈ દેસાઈની મળેલી પ્રતિક્રીયા મુજબ, ટેન્કર નોંધવા માટે જે વ્યકિતને બેસાડવામાં આવેલો છે એ વ્યકિત ગેરકાયદેસર ટેન્કરના ફેરા માટે ટેન્કર દીઠ રકમ વસુલતો હોવા અંગેની ફરીયાદ પૂર્વ ઝોનના એડીશનલ સિટી ઈજનેર સુધી પણ કરવામાં આવી છે.
જે ટેન્કર મોકલવામાં આવે છે એ ફાઈટર વગર મોકલવામાં આવતી હોવાથી બીજા માળ સુધી પાણી પહોંચી શકતુ નથી. ટેન્કર ફાઈટર સાથે મોકલવાનુ નકકી કરવામાં આવ્યુ હોવા છતાં કોન્ટ્રાકટરો ડીઝલ બચાવવા માટે ફાઈટર વગરની ટેન્કર મોકલતા હોવાથી રહીશો પરેશાન થાય છે. આ બાબતે તપાસ કરી કથિત ભ્રષ્ટાચાર દુર કરવા પણ આગેવાન દ્વારા રજુઆત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યુનિ. દ્વારા દરવર્ષે કરોડો રૃપિયાનું બજેટ તૈયાર કરવામાં આવે છે. લોકો પાસેાૃથી કરોડો રૃપિયાની રકમ વેરા પેટે ઉઘરાવવામાં આવે છે. એટલે કે મ્યુનિ. પાસે પૈસાની અછત નથી. બીજી તરફ ટેકનિકલ જાણકાર સૂત્રોના મતે પાણીની પણ તંગી નથી. પરંતુ શહેરના પૂર્વ વિસ્તારમાં મ્યુનિ.ના અણઘડ આયોજનના કારણે હજારો લોકોને પીવાના પાણી માટે હાડમારી સહન કરવી પડે છે. લાખો રૃપિયાનો પગાર લેતા ઈજનેરોની અણઆવડતનો ભોગ લોકો બની રહ્યા છે.
મ્યુનિ. દ્વારા મોટા ઉપાડે બુધવારે બકરી ઈદના તહેવાર નિમિત્તે સવારે પાંચથી આઠ સુધી જે વિસ્તારોમાં લઘુમતી સમાજના શહેરીજનો વસવાટ કરી રહ્યા છે એ વિસ્તારોમાં પાણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત છતાં જમાલપુર વોર્ડના અનેક વિસ્તારોમાં પાણી ના મળ્યું હોવાનો સ્થાનિક કોર્પોરેટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તહેવારના દિવસે જ પાણી ના મળવાથી પાણી મેળવવા માટે વોર્ડના અનેક વિસ્તારના લોકોને કકળાટ કરવો પડયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.