ડાયમંડ ઉદ્યોગ માટે આવ્યા રાહત ના સમાચાર :જાણો ક્યાં ચાજઁ માં થયો ઘટાડો

જોબવર્કના દરોને લઈને છેલ્લાં ઘણાં સમયથી ભારે મુશ્કેલીનો સામનો કરતા હીરાઉદ્યોગને આજે એક મોટી રાહત સરકારે જીએસટીના દરમાં ઘટાડો કરીને આપી છે. જોબવર્કનો દર પાંચ ટકા હોવાને કારણે કારખાનેદારોનું ફંડ બિનજરૃરી રીતે બ્લોક થતું હતું. જોકે જોબવર્કનો દર 1.50 ટકા કરાતાં કારખાનેદારોએ હાશકારો અનુભવ્યો છે. જોબવર્કના દરના ઘટાડાના સરકારના પગલાંને ચેમ્બર ઓફ કોમર્સે આવકાર્યું છે.

પ્રમુખ કેતન દેસાઈએ જણાવ્યું કે, જોબવર્કના ઊંચા દરોને કારણે રિફંડ જનરેટ થતું હતું.1.50 ટકા દર થવાથી હવે આ સમસ્યા નહીં રહે. હીરાઉદ્યોગને સરકારે એક મોટી રાહત કરી આપી છે. આ ઉપરાંત સરકારે હોટલ ઈન્ડસ્ટ્રીઝને પણ રાહત કરી આપી છે. શહેરના વેપાર-ઉદ્યોગને પરેશાન કરતા જીએસટીના પ્રશ્નોના નિરાકરણ માટેની સરકાર સમક્ષ કરાયેલી ભારપૂર્વકની રજૂઆતનું આખરે પરિણામ મળ્યું હોવાનું સૌ કોઈ અનુભવી રહ્યાં છે.

હીરા ઉદ્યોગને પરેશાન કરતા જીએસટીના પ્રશ્નો બાબતે તો સુરત ડાયમંડ એસોસિયેશન અને ચેમ્બર ઓફ કોમર્સ તરફથી સરકારમાં એકથી વધુ વખત રજૂઆત કરવામાં આવી હતી. સૌ કોઈએ એક જ મુદ્દો રજૂ કર્યો હતો કે પાંચ ટકાનો દર ખૂબ જ ઊંચો છે જે ઘટાડીને ઓછો કરવામાં આવે. જોબવર્કના દરો ઉંચા હોવાને કારણે જ જોબ વર્કનું કામ કરતા નાના એકમો માટે અસ્તિત્વ ટકાવવાનું ખૂબ જ અઘરું બની ગયું હતું અને સુરત ઉપરાંત સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં જોબવર્કના એકમો ચલાવવા ખૂબ જ મુશ્કેલ બની ગયાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.