મંદીના માહોલમાં સુરતમાં એક રત્નકલાકારે યુ-ટ્યુબમાં વીડિયો જોઈને 2 લાખ રૂપિયાની નકલી નોટ છાપી

હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક રત્નકલાકારો બેરોજગાર હોવાના કારણે ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળી રહ્યા છે. સુરતમાં રત્નકલાકારને મંદીમાં કામ ન મળતું હોવાના કારણે રત્નકલાકારેએ 500 રૂપિયાની નોટ ઘરે છાપવાનું શરૂ કર્યું હતું. સુરતમાં છાપવામાં આવેલી નોટ રત્નકલાકાર મિત્રોની મદદથી વડોદરાના બજારમાં વટાવતો હતો.

એક રિપોર્ટ અનુસાર સુરતમાં રહેતા સંજય પરમાર નામના યુવકને હીરાના કોઈ કામ ન મળતા તેને યુ-ટ્યુબમાં વીડિયો જોઈને ડુપ્લીકેટ નોટ બનાવવાનું શરૂ કર્યું. સંજય પરમારે તેના એક મિત્ર આશિષ સાથે મળીને ચાર મહિનામાં પોતાના ઘરમાં લેપટોપ અને કલર પ્રિન્ટરની મદદથી 2 લાખ રૂપિયાની છાપી હતી.

100 રૂપિયા અને 500 રૂપિયાના દરની નોટો છાપ્યા પછી બંનેએ આ નોટ માર્કેટમાં ચલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંને સફળ રહ્યા નહોતા. પછી સંજયે અને આશિષે સાથે મળીને આ 1.60 લાખ રૂપિયાની નકલી નોટ 50,000 રૂપિયામાં અભિષેક માંગુકિયાને આપી હતી. અભિષેકે આ તમામ નોટ તેના મિત્ર કુલદીપ રાવલને આપી હતી. બે મહિના પહેલા કુલદીપે 50,000 રૂપિયામાં આ નકલી નોટ પોરબંદરના અર્જુન મેર નામના ઇસમને આપી હતી. આ નોટ માર્કેટમાં ન ચાલતા અર્જુન મેરે 87,500ની નોટ કુલદીપને પરત કરી હતી. પછી કુલદીપે આ નોટ વડોદરાની બજારમાં વટાવવા માટે અભિષેક સુર્વે નામના ઇસમને આપી હતી.

અભિષેક જ્યારે તેના મિત્ર સાથે મળીને આ નકલી નોટ વડોદરામાં વટાવી રહ્યો હતો ત્યારે વડોદરા SOGએ અભિષેક અને તેના મિત્રની સુમિતની ધરપકડ કરી હતી અને બંને પેથી 87,500ની 500ના દરની નોટ કબજે કરી હતી અને બંનેની પૂછપરછ કરતા નકલી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. વડોદરા SOG તપાસ કરતા કરતા સુરતના હીરાબાગ પાસે આવેલી રૂપમ સોસાયટી સુધી પહોંચી હતી. SOG સંજય પરમારના ઘરે રેડ કરીને સંજય પરમાર, આશિષ સુરાણી, કુલદીપ રાવલ, અભિષેક માંગુકિયા, વિશાલ સુરાણીની ધરપકડ કરી હતી. પોલીસને રેડ દરમિયાન 2 પ્રિન્ટર, કોરા કાગળ અને 22,300 રૂપિયાની છાપેલી નકલી નોટ કબજે કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.