3 મિનિટ વહેલી આવી હોત ફ્લાઇટ તો સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના સર્જાઈ હોત

સુરત: (Surat) ગત 22 નવેમ્બરે અમરેલીથી સુરત એરપોર્ટ તરફ આવી રહેલી વેન્ચુરા એર કનેક્ટની (Ventura Air Connect) ફ્લાઇટને અકસ્માત નડતા નડતા રહી ગયો હતો. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના એક્યુરસી રીપોર્ટ પ્રમાણે 22 નવેમ્બરના રોજ 12:51 કલાકે વેન્ચુરા એર કનેક્ટની નોન શિડ્યુલ ફ્લાઇટ સુરત એરપોર્ટ (Surat Airport) પર લેન્ડિંગ થવાની તૈયારી હતી અને માત્ર સુરત એરપોર્ટના રનવેથી 2.5 નોટીકલ માઇલ દૂર હતી અને માત્ર 800 ફૂટની ઊંચાઇએ લેન્ડિંગ માટે તૈયાર હતી. તે સમયે એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલર્સે આ ફ્લાઇટને ઇમરજન્સી મેસેજ મોકલી એરક્રાફ્ટને એકશન મોડ પર ઊંચાઇએ લઇ જવા આદેશ આપ્યો હતો.એટીસીએ પોલીસના અને ફાયરના વાહનો રનવેની (Run Way) નજીક હોવાનો મેસેજ આપ્યો હતો. તેથી પ્લેનને પાયલટે ઊંચાઇ ઉપર લઇ જઇ મોટી દૂર્ઘટના ટાળી હતી.

એવિએશન સેક્ટરના નિષ્ણાંતો કહે છે કે જો વિમાનના પાયલટે રનવેનો એપ્રોચ લેન્ડિંગ માટે બનાવી દીધો હોત તો વિમાનમાં સવાર ક્રુ મેમ્બર સહિત 11 પેસેન્જરો અને રનવે નજીક મોકડ્રિલ માટે ઉભેલા સરકારી કર્મચારીઓનો જીવ જોખમમાં મુકાયો હોત. માત્ર 3 મિનિટ બિફોર આ ફ્લાઇટ લેન્ડ થઇ હોત તો સુરત એરપોર્ટ પર બફેલો હિત પછી બીજી દુર્ઘટના સર્જાય હોત. વેન્ચુરા એર કનેક્ટના પાયલટે 22 નવેમ્બરના રોજ 13:48 કલાકે વિધિવધ ફરિયાદ નોંધાવી હતી. તેને પગલે ડીજીસીએ દ્વારા તપાસ મુકવામાં આવી છે. પ્રારંભમાં એરપોર્ટ ઓથોરીટીના સ્થાનિક અધિકારીઓ દ્વારા એવી ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી કે શહેર પોલીસની 5 જેટલી જીપ અને ફાયર ટેન્ડર્સ એરપોર્ટના અધિકારીઓને જાણ કર્યા વિના રનવે સુધી પહોંચી ગયા હતા. એટીસીને તેની જાણ થતાં રનવે ખાલી કરાવવામાં આવ્યો હતો અને છેક 57 મિનિટની જહેમત પછી ફ્લાઇટ સલામતી પૂર્વક લેન્ડ થઇ હતી.

ડીજીસીએના સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે આ મામલામાં ડીજીસીએ દ્વારા એરપોર્ટ ડાયરેક્ટર અમન સૈનીની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. અને તેમની પાસે ઘટનાને લગતો રીપોર્ટ મંગાવવામાં આવ્યો છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના એક્યુરસી રીપોર્ટ જુદા જુદા વિભાગમાં જાહેર થઇ ગયા પછી સુરત એરપોર્ટ પર એવી ચર્ચા ચાલી રહી છે કે 22 નવેમ્બરે સુરત એરપોર્ટ પર એરોડ્રામ કમિટી દ્વારા એનટી હાઇજેક મોકડ્રિલ રાખવામાં આવી હતી. પણ કોઇ કારણોસર એરપોર્ટ ડાયરેક્ટર એર ટ્રાફિક કંટ્રોલર્સને આ મોકડ્રિલનો મેસેજ આપવાનું ચૂકી ગયા હતા તેને લીધે સમગ્ર મોકડ્રિલથી સુરત એટીસીનો સ્ટાફ અજાણ હતો. આ મામલામાં સુરત એરપોર્ટ ડાયરેક્ટર અમન સૈનીનો પોતાનો પક્ષ જાણવા સંપર્ક કરવામાં આવતા તેઓ પ્રતિક્રિયા માટે ઉપલબ્ધ ન હતા. આ ઘટના પછી એવી ચર્ચા ચાલી રહી છે કે એરપોર્ટ ડાયરેક્ટર અને એટીસીના અધિકારીઓ વચ્ચેનું મનદુખ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ને નોતરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.