રાજકોટ માં ધાર્મિક સંસ્થાને કલંકિત કરતી ઘટના સામે આવી.

ધાર્મિક સંસ્થાને કલંક લગાવે તેવી એક ઘટના રાજકોટમાં સામે આવી છે. રાજકોટમાં એક મંદિરના ગે સેવક દ્વારા બીજા ગે સેવક સાથે સંબંધ બાંધવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારીને સેવકે 4 કરોડ રૂપિયાની માગણી કરી હતી. તેથી ભોગબનનારે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આ બાબતે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, 4 કરોડની માગણી કરવાનું કાવતરું કિશોર ગોહિલનું છે. તેથી તેની પણ ધરપકડ કરવામાં આવી છે..

રિપોર્ટ અનુસાર મૂળ ભાવનગરમાં રહેતો એક વ્યક્તિ રાજકોટના મંદિરમાં રસોડા વિભાગમાં સેવા આપતો હતો. પણ તે છેલ્લા એક મહિનાથી ગૃહસ્થાશ્રમમાં આવી ગયો હતો. આ વ્યક્તિનો સંપર્ક મંદિરમાં આવતા ભોપાલના મયંકની સાથે થયો હતો. મયંક મંદિરની આસપાસ મકાન રાખીને રહેતો હતો. આ ઉપરાંત તે મંદિરમાં જ બે ટાઈમ ભોજન કરતો હતો. મયંક મંદિરના દરરોજ આવતો હોવાથી તેને મંદિરના સેવકની સાથે મિત્રતા બંધાઈ ગઈ હતી. મયંક અને સેવકની મિત્રતા ગાઢ બનતી ગઈ. ત્યારબાદ 15 ઓગસ્ટના રોજ મયંક એકાએક બપોરન સમયે સેવકના રૂમમાં જઈને તેના પગ દબાવવા લાગ્યો હતો.

ત્યારબાદ મયંકે સેવકને શારીરિક અડપલા કરીને ઉત્તેજિત કર્યો હતો અને મયંકે સેવકને કહ્યું કે, તે ગે છે અને અગાઉ તેને જૂનાગઢના મિત્ર સાથે સંબંધ હતો પણ તે હવે છોડીને જતો રહ્યો છે. ત્યારબાદ મયંકે સેવકની સાથે પણ સંબંધ બાંધી લીધો. આ ઘટના બાદ મયંકે સેવકને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું. મયંક સેવકને કહેતો હતો કે તારો વીડિયો બની ગયો છે. એટલે હું અને મારા મિત્રો જ્યારે-જ્યારે પૈસા માગીએ ત્યારે-ત્યારે તારે પૈસા આપવા પડશે. અને મયંકે સેવકને મારી નાંખવાની પણ ધમકી આપી હતી. આ ઘટના બાદ સેવકના મોબાઈલમાં સંસ્થાના એક હરિભક્તનો ફોન આવ્યો અને તેને 1.35 કરોડ રૂપિયાની માગણી કરી હતી. ફોન કરનારે કહ્યું કે વીડિયો વાયરલ ન કરવા પૈસા આપવા પડશે અને વિદેશમાં નોકરી સેટ કરી આપવી પડશે. હરિભક્ત સાથે થયેલી વાતચીતનું રેકોર્ડીંગ સેવકે કરી લીધું. ત્યારબાદ મયંક અને હરિભક્ત સેવકને ફોન કરીને હેરાન પરેશાન કરતા હતા. તેથી 17 ઓગસ્ટના રોજ સેવક તેનું પદ ત્યાગીને તેના પરિવાર પાસે જતો રહ્યો.

પરિવાર પાસે ગયા પછી પણ સેવકને મયંક હેરાન પરેશાન કરતો હતો. મયંક અને હરિભક્તની ધમકીઓથી કંટાળીને સેવકે પોલીસ સ્ટેશનમાં અરજી કરી. આ મેટર પોલીસ સુધી પહોંચતા મયંક નામના ઇસમે સેવક સાથે સમાધાન કર્યું. તેથી અરજી પરત ખેંચાઈ હતી. આ ઘટનાના એક મહિના પછી ગોંડલના ભોજુભા નામના ઇસમે સેવકને ફોન કર્યો અને વીડિયો વાયરલ ન કરવા માટે પૈસા આપવાનું કહ્યું. આ ઉપરાંત રૂબરૂ મળવાનું પણ જણાવ્યું હતું. આ ઘટના બાદ ભોજુભા નામનો ઇસમ આ વાત અન્ય લોકોને પણ કરવા લાગ્યો. તેથી સેવકે 24 નવેમ્બરના રોજ રેસકોર્ષમાં ભોજુભાને મળવાનું જણાવ્યું. તે સમયે ભોજુભા, અભય રાઠોડ અને મુન્ના ગોહિલ નામના વ્યક્તિએ સેવકની પાસે પૈસા માગ્યા હતા. મીટીંગ પછી ફરીથી ભોજુભા નામના ઇસમે સેવકને મળવા માટે બોલાવ્યો.

ત્યારબાદ તે એક રેસ્ટોરંટમાં ગયો અને ત્યાં અગાઉથી ભોજુભા, ચીમન અને અભય હતા. આ ત્રણેય ઇસમોએ સેવકને માર મારીને 4 કરોડ રૂપિયાની માગણી કરી હતી અને પૈસા નહીં આપવામાં આવે તો જાન થી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ ફરીથી ભોજુભાએ ખોટો કેસ કરીને ફસાવી દેવાની ધમકી આપીને સેવકની પાસેથી 10 હજાર પડાવી લીધા હતા. એવી પણ ધમકી આપી હતી કે, પૈસા નહીં આપે તો મયંક તેની માતાને ફિનાઈલ પીવડાવશે અને તારા કારણે આ બધું થયું તેવું જણાવી દેશે.

આ ઘટના બાદ સેવકે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ભોજરાજસિંહ ગોહિલ, અભય રાઠોડ અને ચીમન સામે ફરિયાદ કરી હતી. તેથી પોલીસે આ ત્રણેય ઇસમોની ધરપકડ કરીને તેમની સામે IPCની કલમ 120 (બી), 387, 388, 323, 504, 506(2), 292(ખ) અનુસાર ગુનો દાખલ કર્યો. આ ઉપરાંત ફરાર થયેલા ઇસમ મયંકની ધરપકડ કરવા માટે તપાસ હાથ ધરી છે. આ ત્રણેય ઈસમોની પૂછપરછ બાદ પોલીસ દ્વારા કિશોર ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. કિશોર આ ઘટનાનો માસ્ટર માઈન્ડ હતો અને તે ત્રણેય આરોપીઓને 15-15 લાખ રૂપિયા આપવાનો હતો અને બીજા તમામ રૂપિયા તે રાખવાનો હતો તેવી માહિતી પણ પોલીસને મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.