સુરતઃ શહેર મા મેટ્રો રેલ પ્રોજેક્ટ તેના નિર્ધારીત સમયથી એક વર્ષ મોડો ચાલી રહ્યો છે. ત્યારે હવે ઇજારદાર અને મેટ્રો રેલ કોર્પોરેશન વચ્ચે નાણાંકીય ચૂકવણા બાબતના વધી રહેલા પ્રશ્નો વચ્ચે જુદા જુદા કારણો આગળ ધરીને ઇજારદાર એજન્સીઓ દ્વારા કામ વિલંબમાં પાડવામાં આવી રહ્યું હોવાની પ્રતિતી થઇ રહી છે. કામગીરી મોડી થવાના લીધે શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં મેટ્રોની કામગીરીના લીધે ઠેરઠેર ખાડા ખોદી નાંખવામાં આવ્યા છે તેના લીધે વાહનચાલકો, દુકાનદારો મુશ્કેલી અનુભવી રહ્યાં છે.
હવે સર્વિસ લાઇનના શિફ્ટિંગની સમસ્યા આગળ ધરીને કામ મોડું કરાયું હોવાની ચર્ચા છે. કેમકે નવેમ્બરના અંતમાં પીલરના કામ શરૂ થવાના હતા તે હજુ સુધી થઇ શક્યા નથી. મળતી માહિતી મુજબ મેટ્રોના પ્રથમ ફેઇઝ હેઠળના કાદરશાની નાળથી ડ્રીમ સીટી સુધીના રૂટ પર પીલર ઊભા કરવાની કામગીરી નવેમ્બર માસમાં શરૂ થવાની હતી. જે હજુ હજુ સુધી કરાઇ નથી કેમકે ફાઉન્ડેશનના કામમાં નડતરરૂપ સર્વિસ લાઇનનું શિફ્ટિંગ સમયસર થયું નથી. અમુક ખાનગી જમીનો મામલે હજુ નકકર નિર્ણય લેવામાં ના આવતા આ કામ ચાલુ થઇ શક્યું નથી. જો કે આ તમામ કામગીરી અને તેના સોલ્યુશન માટે ડીપીઆરમાં બતાવાયેલા આયોજનો મુજબ આગળ નહીં વધતી હોવાથી આ પ્રોજેક્ટ લંબાઇ જવાની ભીંતિ જણાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે રૂા. 12,114 કરોડના મહત્વાકાંક્ષી સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે પ્રથમ ફેઝની કામગીરી ચાલી રહી છે. પ્રથમ ફેઝના 40.35 કિ.મી ના રૂટ માટે 72 કોચ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (Gujrat Metro Rail Corporation) દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. જેમાં ડ્રીમસિટી થી સરથાણાના રૂટ પર શરૂઆતના તબક્કામાં કુલ 15 મેટ્રો રેલ દોડશે અને સારોલીથી ભેંસાણના રૂટ પર કુલ 9 મેટ્રો રેલ દોડશે તેમ જીએમઆરસીના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.